13 - પ્રિયદર્શન / બાલાશંકર કંથારિયા


રાગ ગઝલ – તિલક અથવા નટ – તાલ દાદરો.
(‘ક્યાં બરમેં તડફ્તા હે દિલ બેતાબ હે વલ્લા’-એ રાહ )

આજ ઝાંકિ થઈ કાંઈ યારની છે હરી હરી;
મતિ આંખડી જાદુગારિયે છે હરી હરી.

નિર્મળ તને પરિમલ બહેકી ઉડે ગગન,
ખુશબો ઇરમ ગુલઝારની છે હરી હરી.

મદિરા થકી મદમસ્ત મ્હાલતી માનની,
કરમાં સુરાહી શરાબની છે ધરી ધરી.

ચંદ્ર ચાલ પર કુરબાન ચારુ ચકોરવત્;
પ્યારીને પદે પદે મેં ગતી છે કરી કરી.

અહા માન મૂકિ ગુમાનિયે મિઠી આંખથી;
દિલમાં કંઈ ફરિયાદ મારિ ધરી ધરી.

શત કોટી ઉજ્વળ ચંદ્રશે ગોરે હાથથી;
ભરી પ્યાલિ મસ્ત ક્લાલિયે રે ધરી ધરી.

અહાહા ! પડી પરછાંહિ ગોરી હથેળીમાં;
કોટી સ્વર્ગની ઝલકાઈ આંખ ઠરી ઠરી.

કંઈ કરોડો ખાલી કરી દુકાન શરાબીની;
સુધ પ્યારિની એક પ્યાલિયે છે હરી હરી.

કોણ નિંદશે મદિરા મહારા મસ્તને;
મઝા કાંઈ જેણે લગાર એની કરી કરી.

મુજને કહે છે સજન શિખામણ મસ્તિની;
મુજ પંથમાં ગતિ મસ્તની છે ખરી ખરી.

ચંદ્ર ઊગતે અવધી કરી મળવા તણી;
ક્યારે ચંદ્ર તેહ ઉગાડશે રે હરી હરી?

ખુશ અવાજ કરતું શિરે મહારે ઉડે હુમા;
આજની નિશા પ્રિયા સંગ નક્કિઠરી ઠરી.


આજની નિશા હરી જો કરે કે ખૂટે નહીં;
ત્રિજગત્ ચઢાવું એ આખડી મેં ધરી ધરી.

રહું છું નિરંતર રંગ પ્યારીની સંગ માં;
નિરખું નયનભર મૂર્તિ મોક્ષ ભરી ભરી.

કવિતા કરી કહી बाले તાનથી પ્યારિયે;
ખુશ થઈ શિતળ ગોરી બાંહ કંઠ ધરી ધરી.


0 comments


Leave comment