56 - કોણ ? / હરિશ્ચન્દ્ર જોશી
કોણ ઊભું છે દઈને ટકોરા, કોણ ખખડાવતું મનની સાંકળ ?
હાથમાં કોણ ઊજળી ક્ષણો લઈ રાહ જુએ છે દરવાજા આગળ ?
કોણ છે એ સતત બસ ચહે છે, આપતું કોણ શ્રદ્ધાને ટેકો ?
ફૂલ માફક સુગંધો ધરીને ભેટવા કોણ કરતું ઉતાવળ ?
કોણ છે જે ત્વચાનો છે કેદી, ભીંત પર કોણ શ્વાસો ગણે છે ?
મેશ લઈને બળેલા સૂરજની રાતભર કાલવે કોણ કાજળ ?
કોણ અક્ષર થઈ ઝળહળે છે, મઘમઘે ટેરવાં આમ કોનાં ?
શબ્દ શબ્દે ઉમળકા ભરીને કોણ કોને લખે રોજ કાગળ ?
કોણ સંતાઈને છેક અંદર આંતરે છે વળાંકે વળાંકે ?
સ્હેજ ડગલું જ ભરવા દઈને કોણ ધક્કેલે સદીઓની પાછળ ?
કોણ અષાઢનું ગીત થઈને, મ્હેક માટીની માદક ઉમેરે ?
ઘેરતું કોણ આશ્ર્લેષ વચ્ચે ભીંજવે છે સતત્ થઈને વાદળ ?
0 comments
Leave comment