58 - સર્વત્ર છું / હરિશ્ચન્દ્ર જોશી


કોઈ સરનામા વગરનો પત્ર છું.
એટલે તો હું હવે સર્વત્ર છું.

આભ જેવી છત ભલે ના થઈ શકું,
એક ઇચ્છાનું છતાં શિરછત્ર છું;

એક પાનું છું તવારિખનુંય હું,
એક ઘટના છું સમયનું સત્ર છું;

અર્થ, સંબંધો, ગતિ સાપેક્ષ છે,
તત્ર ટહુકો, એક પીડા અત્ર છું;

હું ઊતરડાતો, ઉખેળાતો રહું,
દ્રૌપદીની આબરૂ છું, વસ્ત્ર છું.


0 comments


Leave comment