59 - ઉપચાર પંચક / હરિશ્ચન્દ્ર જોશી
ઝાંઝવાને પી ગયા છો એમ લાગે છે મને.
ચાંદની ચમચી પીઓ લ્યો, કેમ લાગે છે હવે ?
દ્રશ્ય ઝાંખાં, સ્વપ્ન પાંખાં, ધૂંધળી લાગે પળો,
આંખ ઝાકળથી ધૂઓ લ્યો, કેમ લાગે છે હવે ?
શ્વાસ ને નિ:શ્વાસની ચડ-ઊતરે હાંફી ગયા ?
કસ્તૂરી ક્ષણની સૂંઘો લ્યો, કેમ લાગે છે હવે ?
સાંજની પીળી ઉદાસી લોહીમાં ભળવા ન દ્યો,
ગઝલને સૂરે ઘૂંટો લ્યો, કેમ લાગે છે હવે ?
રુક્ષ સંબંધો થકી આળી હથેળી થૈ હરીશ,
લેપ મૈત્રીનો કરો લ્યો, કેમ લાગે છે હવે ?
0 comments
Leave comment