89 - સૂની / ચિનુ મોદી
સૂની આ વાટ સમી ઊભી છું ક્યારની હું,
પગલાની લિપિ ઉકેલતી,
વેરી આ વાયરાની લહરીને વાળું છતાં
એય મારી લાગણી ઉવેખતી
સૂની આ વાટ.....
ખાલીખમ સીમ અને પંખીના એક છતાં
ગોફણની જેમ હું વીંઝાઉ,
ભરખે છે એટલો ભેંકાર મારી આંખને કે
આંસુને જોઈ હું રીઝાઉં;
આંસુની વેદનાના વિસ્તરતા પ્હાડને હું
બ્હાવરી બનીને ધકેલતી.
સૂની આ વાટ.....
પળનું બનેલું જળ ઉભરાતું ચાલતું ને
મૂકી રહ્યું છે હવે માઝા,
ડૂબી ગયેલું તૃણ યાદ કરું ઉગરવા
એટલે તે લગ મારી આશા;
આશાની લંબાતી વાટ અને વાટમાં હું
પગલાંની જેમ મને પેખતી.
સૂની આ વાટ સમી.....
0 comments
Leave comment