90 - ઉભરાવાં ચાહતાં / ચિનુ મોદી


ઉભરાવાં ચાહતાં હું આંસુને એકવાર આંખોમાં પાછાં તો ઠેલું,
ઠેલાતાં આંસુથી વેદનાના પ્હાડ ખસ્યે પગલું મેલું તો ક્યાં હું મેલું ?
ઉભરાવાં......

મેળો છૂટે ને પછી ગામ ભણી ટોળાતી
એકલતા જેવી ગઈ વેળા
પાવા તો વાગે છે સીમ ભરી ક્યારના પણ
અણજાણ્યા જેવા લોક ભેળા;
ભેળાતી ઈચ્છાની સીમ સાવ સૂની ને તોય હવા કહેતી કે ખેલું;
ઉભરાવાં ચાહતાં હું આંસુને એકવાર આંખોમાં પાછાં તો ઠેલું.

ખાલીખમ ખેતરો ને સૂકાંભઠ ઝાડવામાં
પોઢેલી એકલતા જાગી,
ખેલતી હવાના શ્વાસ સુકા તે પાંદડાંની
જેમ જાય પળમાં ઓ ભાંગી;
ભાંગેલા શ્વાસના દરવાજા હોય અને વાસવા હું ઈચ્છું છું ડહેલું;
ઉભરાવાં ચાહતાં હું આંસુને એકવાર આંખોમાં પાછાં તો ઠેલું.


0 comments


Leave comment