7 - સલામતી / બાલાશંકર કંથારિયા


રાગ- જિલ્લો – ગઝલ તાલ- દાદરો

અંજન આંખડી ન આંજ કપાશે સુઆંગળી,
મતિ તાહરી સલામતીમાં માહરી વળી.

પડે તાહરી અલાબલા સૌ માહરે શિરે,
સહુ ધીર થઈ કોઈના પિડા શકે કળી.

નજરબાણ ક્યમ ન તાહરે કરે પિડા કરે,
ખુંચે છે તને શરીરમાં ગુલાબની કળી.

નિચી નજર ના તું ઝાંખ, ઝાંખ માહરી ભણી,
ભલે વેધશે ફકીરને ફકીર કશી બળી.

જોજો! તુજ વિના સજન બધો સંસાર ડૂબશે,
પછી શી વલે થશે કંઈ ખબર તને મળી?

ખબર કેમ ન લેતી માહરી શિરે તું નિર્દયા,
ફસી પ્રેમફંદ તાહરે મુરાદ ના મળી.

ફિકર કશી છે ફકીરને, ફકીર તણિ તને,
જોબન ઝૂલડે ઝુલી તું સુમનસેજમાં ઢળી.

ગયો ખેલ ખલકનો ગયો વળિ મેલ મંનનો.
ઝલક ઝાંખવા મળે ન મધુર મૂર્તિ નિર્મળી.

સજન ગરિબ મારિ હાલતે ઉપહાંસી કાં ધરે ?
હમારા ભર્યા ભંડારની ખબર નથી મળી.

હૃદયકોષમાહીં પ્રેમરત્ન લાવિને ધર્યું,
સમર્પણ કર્યું તને અમૂલ્ય મેં રળી રળી.

અહા કીમિયો વડો દિઠો એ રેતીમાં ખરો,
દેખું માંહિ મદભરી છબી છકેલિ કોમળી.

જોને પળ ઘડી ઘડી પછિ દિનરાત વહિ જશે,
જશે આખરે શરીર આ ફકીરનું બળી.

દાગ લાગશે હમેશનો ગરદન પરે સજન,
ઉઠી ધૂમ આવશે શરીરથી બળી બળી.

જવાળ લાગશે ભડભડ કરિને શબ્દગર્જના,
પ્રિતમ તુંહી તુંહી તુંહી એ મેં રંગમાં ભળી.

મુકી માન માનિનિ ઘડિ દે સૂખ સોબતે,
પડ્યો बाल પરમ પાય પ્રિતમને લળીલળી.


0 comments


Leave comment