92 - બરફ સમો / ચિનુ મોદી


બરફ સમો જે પીગળે કિંતુ હમણાં એવો થાય
કાપો પણ ના કપાય કે ના પળમાં એ વ્હેંચાય
       વસમો છે આ કાળ
ડગલું પણ ના ખસતો, છો હું લાંબી ભરતો ફાળ.

એક ઉદાસી એવી કે જે ઘેરે ને ઉભરાય
ઘરમાં દીવાલ જેવી લાગે, બ્હાર હવા શું વાય;
      લીલુંછમ છે ઝાડ
તો પણ પંખી પેઠે છોડે પાંદપાંદડાં ડાળ
       વસમો છે આ કાળ

જ્યાં જાઉં ત્યાં મને જકડવા ફેલાવે બે હાથ
શૂન્ય સમાણાં સ્થળમાં પગલાં પેઠે ડે સંગાથ
       આ તે જળ જે જાળ ?
કાંઠે આવું મત્સ્ય થઈને, સ્પર્શે અંગે ઝાળ
       વસમો છે આ કાળ.


0 comments


Leave comment