94 - મોતી / ચિનુ મોદી


સમદર સરખો મલક ઉલેચી લાયો છું હું ગોતી,
આજકાલમાં તને આલશું એંધાણે એ મોતી.

નાજુક નાકે નમ્યા નેત્રના આંસુ જેવું સાચું,
મોતી નાખે આણલેદે ! હું ભવભવથી એ જાચું;
મરજીવાના મનની છીપે માછલીઓ જે જોતી;
આજકાલમાં તને આલશું એંધાણે એ મોતી.

નાકે બેઠું મોં અજવાળે સો સૂરજની તોલે
કીકીમાં આવીને ઝૂલે પાંપણ બાંધ્યા ઝોલે,
નિંદ મુલાયમ લાયો છું હું અં...તે શમણાં સોતી;
આજકાલમાં તને આલશું એંધાણે એ મોતી.


0 comments


Leave comment