5 - મોહનમંત્ર / બાલાશંકર કંથારિયા


રાગ- લાવણી
(‘નાજુક પુતલી રતન છબીલી ભાર જોબનમેં મસ્ત ખડી’ – એ રાહ.)

મદમાતી તારી આંખલડીમાં આવી વસ્યો છે મોહનમંત્ર,
ગોરેગોરે મુખડે આલેખ્યો છે જુવતી જોબન જાલમજંત્ર.

નયન ચકોર રડે ધ્રુશકે મુખચંદ્ર અમલ જવ ના નિરખંત,
પ્યારી પ્રીતી પાશે પ્રેમી પ્રીતમ પડીઓ રે પરતંત્ર.

પ્રેમ તહાં રે કેવો પટંતર, કાં લાજે દઉં અધરક્ષત દંત.
જોબન મદરસ કેમ પીઉ ના, પ્યારી થઈને પૂર્ણ સ્વતંત્ર.

વારૂણી મદરસ રક્ત કપોલે ઝબકારા મારી ઝલકંત,
પ્રતિક્ષણ તેમાં પાઠ કરું છું, અચળ અલૌકિક વૈદિક મંત્ર.

પ્રેમસ્થાને પ્રેમપરાયણ પ્રાણી પ્યારો પ્રાણ તજંત,
તોપણ તવ દરબાર ન ઉઘડે, નિર્દય કેવો તારો તંત્ર?

વચન વિસાર્યું મેં પ્રાણસનેહી કાં દિલડામાં એમ લહંત,
કાળજડામાં કયારથિ કોરી રાખ્યો છે તવ પ્રેમળ મંત્ર?

ઉર્વશિ રતિ રંભાશિ મનોહર માનનિ ગણમાં રમ્યો અનંત,
તોયે દિલડું કંઈ ન ઠર્યું એ તુજ વિણ જાણે કોણ પટંત્ર ?

પ્રેમીઓનો હૃદયમણી હું તે, પ્યારી જયારે ના પરખંત,
ત્યારે ભૂંડી તું જ ઠરી એ ! ગોરી ગુમાની કહું છું સ્વતંત્ર.

પ્રતાપ મૃગ તૃષ્નાવત દેખી આ મન તરસ્યું મૃગ દોડંત,
હાય હાય ! ત્યાં પ્રાણ જાય એ તારો જાદુઈ જાલમજંત્ર.

કામ ભરેલી કટાક્ષ કટિલી અણિયાળી અંતર વેધંત,
રુધિર વહીને બનશે પ્યારી તુજ વિલાસ પ્રબળ જલજંત્ર.

નિર્દય ! કેમ દયા ન લહેદિલ ચાતુરદિલ મળવા ચમકંત.,
અંતર પ્રેમિ રડતો હીંડે દિલ સોંપી તવ મુખડે સ્વતંત્ર.

આં અવસર અનુકૂલ અલૌકિક રમે મસ્ત થઈ પ્રેમી સંત,
મૃદુ મૃદુ ગીત રસાળાં ગાયે મૃદુ મૃદુ રવ વાજે વાજંત્ર

વિરહજનિત પૂર શોકપૂરિત કરુણામય મારું હૃદય દ્રવંત,
ઝીલ ઝીલ પ્યારી રસ તે એકવાર, ન થઈયે એમ સ્વતંત્ર.

રહો રહો ઘડી પ્યારી બતલાવું કાળજડાનો આણી અંત,
નહિ તો મેં મન માની લિધું છે તવ વિણ જગ આ આવ્યું તંત્ર.

પ્રેમિ પ્રિયા ને પ્રીતમ પ્રેમી તે સુખ આ જગ કોણ લહંત,
આ બડભાગી बाल લહે હા, હા, થઈ મસ્તાન સ્વતંત્ર.


0 comments


Leave comment