23 - પ્રકીર્ણ શેર ( ૬ – ૧૦ ) / બાલાશંકર કંથારિયાઅલક્બંધ ખોલતાં ભલા મિજાજી યાર,
હજાર લાખ મુશ્કનાં ખુલે ખુતન બઝાર.


**


કોઈ પ્રિતમને પ્રણામ જઈ લળી લળી કહો,
મુજ ખબર જે ખરેખરી વળી વળી કહો.


**


સખી કોણ એવી તાહરી, હઠીલી તુંને કરી;
બદમાસને કરું સખ્ત સજા જો મળે ફરી.


**


અલી એ ખૂની, જઈ તાહરી ફરિયાદ ક્યાં કરિયે,
કઈ કોર્ટ કે અદાલત પોકાર જઈ કરિયે ?


**


અરે દિલ, થઈ રહે તૈયાર, સજન ભરપ્યાર આવે છે;
સુગંધી હાર ગજરાની ભભકતી મ્હેક આવે છે,
સુરાહી એક કર, બીજે પ્યાલો પૂર મદિરાથી,
બગલમાં પ્રેમની પોથી કંઈ નુંખરાં બતાવે છે.0 comments


Leave comment