62 - નાટકનો અંત / હરિશ્ચન્દ્ર જોશી


નાટકનો અંત છે હવે ક્ષણમાં જ મંચ પર.
પડશે ત્યાં શ્વેતપટ પછી સઘળા ય રંગ પર.

જીવનના સારરૂપ જે પામે તે વ્હેંચતા,
ફૂલોએ નામ ક્યાં લખ્યાં છે કોઈ ગંધ પર;

પેસે ને જાય પાર તો પામે પ્રકાશને,
અટકે છે મન ફરી ફરી આદિમ રંધ્ર પર;

બેસીને પાંખ પર સતત્ એ વ્યાપતું રહે,
જાણે કે નભી રહ્યું કોઈ વિહંગ પર;

સંકેલી લે હરીશ, ચરણ, માર્ગ, શ્વાસ પણ,
છેલ્લો પ્રવાસ થાય બીજાના જ સ્કંધ પર.


0 comments


Leave comment