19 - કુકાકવાણી / બાલાશંકર કંથારિયા


ગરબી

મીઠી મીઠી વાણી બોલો રે, વાયસજી, કુંક્મ રંગ વધવું,
આવે જો પ્રમદા પટરાણી પંજર હેમ ઘડાવું. મીઠી...

ચૂવા ચંદન ચોળિ અરગજા ગંગાજળ નવરાવું,
શ્યામ ભાળ પર ભભક ભરેલું કેશરતિલક લગાવું. મીઠી....

સિંહલદ્વીપ ગજ મોતી કેરા કંઠે હાર ધરાવું,
સુંદર શ્વેત સુગંધિ સુમનનું અંગે પટ પહેરવું. મીઠી...

પાટલ પારિજાત ગૂંથીને વાયુ વ્યજન ઢળાવું,
ઉત્તમ અત્તર ઈંદોરી ની મ્હેક તને મ્હેકાવું. મીઠી....

મણિજડિત્ર કલગી શિર ઉપર બાંકી છેલ ધરાવું,
પુર મંદિરની મૂર્તિ ફેડી ત્યાં તમને પધરાવું. મીઠી ....

નાગરિ જન કરે ગોરે તમારી પૂજા પૂર્ણ કરાવું,
સુરજ સુધાકર પાસ તમારી આરતિયો ઉતરાવું. મીઠી...

જુવતી જણ કરખોળે છાતી પર તમને બેસારું,
છોજી પિયુ સંગમના સૂચક કરું શું નિછાવર વારૂ, મીઠી....

વેદપાત્ર બ્રાહ્મણની પાસે પાલખિને ઉપડાવું,
કનકાસન પધરાવી તમને સરઘસ સારું ચઢાવું. મીઠી ...

સારસનું સાજન મ્હાજનિયા મોર પપિહ તેડાવું,
કુટિલ કોયલને કરું બંદીજન કંચુકિ કીર બનાવું. મીઠી....

બુલ્બુલ હંસનિ સંગિત નૃત્ય ગતિ મુજરો નેક કરાવું,
મેના ગણ મુખ મિષ્ટ તમારા ગુણનાં ગિત ગવરાવું. મીઠી....

ખલ બગલા નાપીક મશાલી સજન માંહે ચલાવું,
પંખીગણ છો નિંદે તમને પંખીરાજ બનાવું. મીઠી .....

કો કો શું પૂછો જાણીને હિ મશ્કરિ મન લાવું,
આવાગમન વધામણિ આણી કેમ કહો છો આવું? મીઠી.....

આજ નિશા જો આવે પ્યારી ગૂણ તમારા ગાઉ ?
મુજ મદિરાનો મીઠો પ્યાલો એક ભરીને પાઉં. મીઠી.....

થાજો ચાતુર ચારુ ચિરંજીવિ એ આશિષ સંભળાવું,
વિરહીના છો વ્હાલા વાયસ તે ગુણ કેમ ભૂલાવું? મીઠી....

શું અર્પું હું बाल તમોને, શી તતબીર રચાવું?
નિસ્પૃહ રાજનનો રાજા છું પ્રેમગરીબ કહાવું. મીઠી....


0 comments


Leave comment