97 - પડછાયા / ચિનુ મોદી


શેરીના પડછાયા
સૂરજનાં કિરણો ખેંચે છે મૃત ઘેટાની કાયા
શેરીના પડછાયા

ઘેટામાંથી હવડગંધનાં નીકળે ટોળેટોળા
ચિમળેલા ડામરના ફૂલે કરતાં ખાંખાખોળા,
અવાજની કોરીકટ ભીંતે શૂન્યમના પડઘાયા
શેરીના પડછાયા.

એ પડઘાનો ઘુમ્મટ ફાડી કાળ, પિરામિડ જોતાં
રિક્ત કબરના રણમાં પોલો સ્તંભ હવાનો રોતાં
ડાયલની લીસ્સી જાંઘો પર બે પંખી પછડાયાં.
શેરીના પડછાયા.


0 comments


Leave comment