98 - શોર / ચિનુ મોદી


હાંફેલા ઊંટોની પેઠે
રસ્તા ઉપર બિલ્ડીંગના પડછાયા થાતા
ઉપર
- હેઠે
હાંફેલા ઊંટોની પેઠે..

લૂખ્ખી લૂના લટિયા ઊડતી રાખોડી બપ્પોર
રતુમડી એની આંખોમાં ગુલમ્હોરોનો તોર.

ટાવરના દાંતાળા ચક્રે ઘસતી તીણા ન્હોર
પોરો ખાતાં પડછાયાને લીલા ઊગ્યાં થોર.

લીલા થાનથી દૂધ ઉભરતું ધોળું, ચારેકોર
અંધકારનાં પગલાંઓનો સૂરજમાં છે શોર.


0 comments


Leave comment