100 - શૂન્ય / ચિનુ મોદી


પથ્થરને પોલાણ
શૂન્ય છલકતું બે કાંઠે પણ
કોરાકટ પાષાણ
પથ્થરને....

ગ્રીષ્મ બપોરે કાદવ ખૂંપી
મહિષીને બે નેણ,
કે મધરાતે પીંપર ડાળે
કોઈ ઘૂવડને વેણ;
સ્હેજ ડોકિયું કરી સરકતું
શૂન્ય, અહીં રમમાણ
પથ્થરને....

પુષ્ટ કાયાનો અજગર થઇ જે
મુજને ભીંસે રોજ,
કોક દિન જે પ્હાડ સમાણો
મન પર ખડકે બોજ,
ખરબચડું અંધારું ઓઢી
એ જ રહે અણજાણ
પથ્થરને.....


0 comments


Leave comment