101 - કોણ ? / ચિનુ મોદી


ઘરની ભીતર-બ્હાર હવા શું કોણ મને આ ઘેરે ?
પ્રેમ થયેલું શૂન્ય મને નહિ મૂકે શું આ ફેરે ?
ઘરની....

રાત પડે ને ઉલૂકની બે તીવ્ર ચમકતી આંખો
લાલભડક સૂરજ જ્યાં લાગે ધુમ્મસ જેવો ઝાંખો;
એકલતા હું આંખ મીંચું તો ધસતી ડાકણ પેરે;
ઘરની ભીતર બ્હાર હવા શું કોણ મને આ ઘેરે ?

તળાવ-પાળે વૃક્ષ-પાંદડાં ખડખડ કરતાં હાસ
ભયથી ચોંકી હવા દોડતી અદ્ધર રાખી શ્વાસ;
ગામ વચાળે, ઘરની વચ્ચે મને મળે વણચ્હેરે
ઘરની ભીતર-બ્હાર હવા શું કોણ મને આ ઘેરે ?


0 comments


Leave comment