102 - ન્હોર / ચિનુ મોદી
જલનાં તીણાં ન્હોર
ન્હોરાતાં સૂરજનાં મત્સ્યો કરતાં શોરબકોર
જલનાં તીણાં ન્હોર.
વાંભ ઉલાળી કાયા, વેગે
ધસતું થૈ વંટોળ,
ઘૂરકે ધીમું ધીમું, એનો
રવ છે રાતો ચોળ;
ત્વચા ફરકતી લીલી જાણે વગાડે કંપ્યો થોર
જલનાં તીણાં ન્હોર.
એ જ પશુનાં ટોળા (અચરજ)
આવ્યા મારે ઘેર,
તડકાની ભીની ભીંતોનું
ઝટ ભાંગ્યું ખંડેર;
પડી ભીંતના જ્જર પ્રેતો કહેતાં ચારે કોર;
જલનાં તીણાં ન્હોર.
0 comments
Leave comment