103 - ચોપાટ / ચિનુ મોદી


સાહ્યબા સંગાથ નહિ રમવું,
અરધી તો રાત આમ વીતે ઉજગરે
ને ચોપાટે હાર જેવું ખમવું;
સાહ્યબા....

‘ગાંડું’ કાઢીને ફૂલબેઠેલ સોગઠીને
સાહ્યબાએ ઊડાડી મે’લી,
કોડીઓ તો સાહ્યબાનું કીધું કરે જ કેની ?
નારીની જાત મૂંઈ ઘેલી;
પાકી જનારી મારી સોગઠીને સાહ્યબાને
કારણ છે વારવાર ભમવું;
સાહ્યબા....

સંચઈ કરું તો હાથ ઝાલી લે એ જ એક
સધિયારો હૈયાને હોય;
વારંવાર અંચઈ જો કરીએ તો સાહ્યબાને
ચ્હેરાએ ગુલમ્હોર સ્હોય;
મ્હોરેલા ચ્હેરાની લાલચોળ આંખોના
તાપને તે કેમ કરી શમવું ?
સાહ્યબા.....


0 comments


Leave comment