12 - આશા / બાલાશંકર કંથારિયા


ભૈરવી-તિલક- બિહાગમાં ગવાશે

ભમ્યો ભમ્યો હું અખિલ સંસાર, મન ધરી પ્યાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.
ઠર્યો ઠર્યો જઈ એણે દરબાર, મન ધરી પ્યાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

પ્રીતમ પદની રજની રજનો પુણ્યશ્લોક પરાગ,
અંજન આંખે સુરમો કરવા મેં ચાહ્યો બડભાગ,
રહ્યો રહ્યો અભિલાષ અપાર, આ મન મોઝાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

ગરિબ થયો ગર્વિષ્ટ હતો જગમાં જન્મેલ છકેલ,
જઈ એને આંગણ મેં ભજવ્યો અદ્દભુત નટનો ખેલ,
રમ્યો રમ્યો પ્રેમઅસિ કેરી ધાર, તે સુરત આધાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

નયનપાત્રમાં રંગી મદિરા ભરિ પાવા તૈયાર,
કાળજડું શેકીને ચવર્ણ લઇ ગયો તે દ્વાર;
આવ્યો આવ્યો પાછો થઈ દિલ ખ્વાર, હું વાર હઝાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

પ્રીતમ મુખદર્શનની મનમાં એક રહી’તી આશ,
કર્મસંજોગે થઈ ન પૂરી થઈને પ્રાણ નિરાશ,
આવ્યો આવ્યો હવે હોઠ બહાર, ન જોર લગાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

પરવશ પ્યારો પ્રાણ પડ્યો જ્યાં શું કહેવું સાંભળવું?
પ્રેમીએ તો નિશદિન ધિગધિગતે અંગારે બળવું,
બળ્યો બળ્યો હું તો આખરની વાર, કરી છેલ્લો પોકાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

અરે હમારો કોણ સનેહી મળે ખરોખરિ પળમાં,
પ્રીતમ અધરામૃતનો કણ મૂકે મુજ મુખ નિર્બળમાં ,
મળ્યો મળ્યો એવો નહીં કોઈ યાર, ખબર લેનાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

પિયુ પિયુ પોકારતાં સુણિને મધુર પપૈયા વન,
કાગળ કટકા કોટે બાંધી કર્યું ઉજ્જડ મધુવન;
સુણ્યો સુણ્યો ન સંદેશ લગાર, ગયા પપૈયા હજાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

મુજ સમ દરદી ખરી કોકિલા કહે જગતને કૂકૂ,
પ્રિતમપદ સાચું ને જગ કૂંડું ખેમ દવાઈ ફૂંકુ,
રહ્યો રહ્યો કોકિલાનો બહાર, મળ્યો નિજ યાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

રગરગ ખેંચી તાર કરી પિયુ પિયુ પિયુ ગાન કરંતાં,
અંતર વીણા નાદ કરતાં પ્રિય મુજ મૂખ ધરંતાં;
નાચ્યો નાચ્યો કંઈ નૃત્ય અપાર, ન લાજ લગાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

મજનું તનપર ઝાડ ઊગતાં મળ્યો ખબર લેનાર,
મુજ શિર દુખતરૂ ઉગી ગયા બળિ તન ધિગતે અંગાર,
મળ્યો મળ્યો ન અક્ષર સુણનાર, જઈ કહેનાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

બિરદ કદાપિ ભૂલ્યો છે તો છો ભૂલ્યો એ પ્રીતમ,
ચિતા ચિત કશિ મારે તેમાં હું નહી ભૂલ્યો વચન;
ભૂલ્યો ભૂલ્યો કંઈ નારીના પ્યાર, ન ધરી દરકાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

વિરહઅનળથી બળી પડું કંઈ શીતળ થવા સરમાં,
સરોવરે શફરીકા ધીકે જવું કો શરણ અવરમાં;
બળ્યો બળ્યો કરું કાંઈ પોકાર, પિયુ પિયુના ઉચ્ચાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

દ્રષ્ટિ કિરણની કલમ લઇ કંઈ ચિતર્યો ચિત્ર હઝાર,
પ્રિયતમ કેરાં પૃથ્વીપાટ પર પણ સહુ સરખાં યાર;
કર્યો કર્યો આંસુ અળતો મેં સર, રુધિર નયનધાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.

પ્રેમ વસ્યો ત્યાં ભેદ કશો છે પછી કશી છે રીસ?
બાલ મૂકી દુનિયાને નામ્યું પ્રિય પદપંકજે શીષ,
મુક્યો મુક્યો આ અખિલ સંસાર, મન ધરી પ્યાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.


0 comments


Leave comment