105 - અજાણ્યાં / ચિનુ મોદી


      એવાં અજાણ્યાં હવે થાવ
સામે મળે તો હોઠ મરકે ના સ્હેજ છતાં
      હૈડામાં થાય નહિ ઘાવ;
      એવાં....

મારગડો રોકીને આજથી હવે હું કદી માગું નહીં નજરું નાં દાણ
દૂર તમે જાવ તોય આંખડીને આપું ના આંસુની રેશમી એંધાણ
       શ્વાસ ના વધે કે સ્હેજ ધીમેરો થાય
       છોને પાસેથી છેક તમે જાવ;
       એવાં.....

એકલડા ઓરડામાં છલકાતી ચાંદનીમાં તમને કરું ના હવે યાદ
શમણાંની શેરીઓમાં જોઉં ના ક્યાંય છતાં તમને દઉં ના હવે સાદ;
       હૈયે તે હોઠ પર આવે જો ભૂલથી તો
       બોલી જવાશે ક્યાંક ‘આવ’;
       એવાં....


0 comments


Leave comment