72 - પડી છે / હરિશ્ચન્દ્ર જોશી


લટકતી હવા આજ છૂટી પડી છે.
મૂડી શ્વાસની સાવ ખૂટી પડી છે.

વિચારોનું ઘમસાણ ચાલે અવાંતર,
પ્રયત્નોની તલવાર બૂઠી પડી છે;

કહ્યું’તું મળીશું ફરીથી વસંતે,
મધુમાલતી કેમ જૂઠી પડી છે ?

હજી સાંજ ઢળવાની વેળા નથી કંઈ,
સમયસાંઢણી કેમ ઝૂકી પડી છે ?

ઈમારત રચી’તી સંબંધોની કેવી ?
કે વસવાટ પહેલાં જ તૂટી પડી છે.


0 comments


Leave comment