6 - સલૂણો મંત્ર / બાલાશંકર કંથારિયા


રાગ- ભૈરવી તાલ –ત્રેતાલ

એવો તેં શું પ્રેર્યો મોહન મંત્ર સલૂણો સાનમાં,
પ્રૌઢ પ્રેમિની પરમ પ્રેમગતિ આવિ રહી અવસાનમાં.

દૈવદશા વિપરિરિત વિરહીને તોયે તું નહિ સાનમાં,
ગુણ ગરવીલી એમ ન રહિયે નિત્ય મગજ મસ્તાનમાં.

પ્રેમવીર ! મેં ધીર ધરી’તી ભરિ મુજ હૃદયનિધાનમાં.
લૂંટી ગઈ લખલૂંટ લુંટારી દગલબાજ બેભાનમાં.

વ્યાધ કરી વધ લહે ખબર વધની એ દયા જહાનમાં,
પ્રાણ પારધી પ્રાણ પરહરી પડ્યો મુકે સમશાનમાં.

હળાહળ હઝાર ગણું વિષ ભર્યું કટાક્ષ કૃપાણમાં,
પ્રેમદાવ રમતાં તેં માર્યો ઘાવ પડ્યો મેદાનમાં.

ચપલાવત ચંચલ ચિત ચમકે ચમકચમક ચહુવાનમાં,
પણ ક્યમ પ્રેમિ રસિક જન ડૂલે ભૂલે નીજ નિશાનમાં.

મધુર મધુર વચનાવલિ ધિરિધિરિ પ્રવેશ કરતી કાનમાં,
મગજ કરી મસ્તાન ભમાવે ભણકારે બેભાનમાં.

મોહનમય મુખ મરકલડે હું ભમું ભ્રમર ગુણગાનમાં,
અધવચ ત્રૂટે તાર મનસ્વી વીણા ભરિ ગુલતાનમાં.

ઘડિ ઘડિ રીસાવું પ્યારી એ પ્રીત રીત નાદાનમાં,
કાચું દિલ પ્રેમ ન જીરવાયે ફજેતિ આખી જહાનમાં.

ચંદન શિશિર સમોવડ સ્પર્ષ મળે જો તનડે તાનમાં,
પ્રાણ કરું કુરબાન સલૂણી નવલ રંગ મસ્તાનમાં.

દિલડાની ગતિ કોણ કળે રે તુજવિણ દુઃખનિદાનમાં,
સજન સનેહી છતાં જશે શું દિનદિન મુજ કકલાણમાં.

સ્નેહી અતીશય સંકોરે બળ તનડે વિરહકૃષાનમાં,
ખબરદાર સંભાળ લહે તન દાગ ન લાગે વાનમાં.

શરદ શર્વરી સમો ક્ષમાકર કપાલ કર્પુર વાનમાં,
આવ આવ ચોટાડું ચતુરા મઝા નહીં તોફાનમાં.

અલક છુટા અલબેલા નાંખો ગરદન ગૌર મહાનમાં,
નેહ ભરે નયણે નીરખું અલબેલિ અલૌકિક વાનમાં.

સુણો ઘડિક દિલડાના દુખની રહો ન પ્યારી માનમાં,
વરસાવો અધરામૃત હેલી बाल રમે ગુણગાનમાં.


0 comments


Leave comment