80 - ગ્રીષ્મ (એક ચિત્ર) / હરિશ્ચન્દ્ર જોશી


પથારી છાંયા લીલાંછમ ઝાડ સૂતાં ભરબપોર.
સૂર્યમાં કાંટા ભરાવી એકલો ઊભો છે થોર.

એક પંખી ફેંકીને ટહુકો તરત ચૂપ થઈ હતું,
પીળચટ્ટા સ્રોવરે ચાલું થતો વમળોનો દોર;

પૂર્વ તૈયારી પ્રથમ વરસાદની ચાલી રહી,
કાગડા છત્રી સીવે છે, ષડ્જ ને સાધે છે મોર;

હાંફતો તડકો લપાયો ભીંતની ઓથે જરી,
ઝાંઝવાં ઊંચા થઈ ડોકાં કરે બારીની કોર;

રાતરાણી રાતભર મહેંક્યા પછી ઊંઘી ગઈ,
આંગણામાં ગુલમહોરી ઊતરી આવી છે ભોર.


0 comments


Leave comment