11 - સૌંદર્ય / બાલાશંકર કંથારિયા


શાર્દૂલ

હુ છું शंकर તું સતી शिरमणि સૌંદર્યઘારાવતી,
તું છે પ્રેમળ મારિ નિશ્ચલ સખી પ્રેમે સમાધિસ્થિત,
તારે છે મુખ ચંદ્રમા મુજ શિરે ચંદ્રાર્ક સારસ્વતી,
હાં હાં જોડ સમોવડી મળી પ્રિયે વિદ્યાપતિ શ્રીમતી.

જેણે એક જ બિંદુપાન કરિયું સૌંદર્યઘારાથકી,
રે! તે પ્રાણિ તણી ગતી અવર શી તર્શી સદાયે ગતિ,
રે! કાં કાન્તિ પટાંચલે લપટીને સંસારમાહીં રમે,
રે ! ચંદ્રાનન દર્શનાર્ત્ત સ્વમતી ચારુ ચકોરી ભયે.

તે શ્યામા અલકાવલી સઘન કુજે રમ્ય ગુંજારવે,
આ ચિતભ્રમર પ્રકામિ તુજનો ભ્રાંતિ વિના જે ભમે,
હા હા ! દૈવવશાત વિયોગિ જિવ એ ભોગી ભ્રમે ભ્રાન્તિમાં,
રે! એકક્ષણ પુષ્પગુંફિત લટે દે લેટવા શાન્તિમાં.

ધારા ઊપર હું પદેપદ સખી ! તારા વિચારો ધરૂં.
આધારે તુજ મૂર્તિના નયનથી સંસાર માહીં ફરું,
ભાનૂ રોહિણિનાથ તારિ નજરે બોલાવું જો સાક્ષિયે,
સાક્ષી અંતરશુધ્ધની ખરિ પુરે सत्यं ब्रवीमि प्रिये.

ભાનુ દ્વાદશ ચંદ્ર કોઈ દિવસે જો પાંશુમાં રોળાશે,
વારીમાહીં વસુંઘરા કવચિદ્પિ સ્નેહેથિ અંગોળશે,
નાના સજ્જન પ્રેમ નાવ તરણી કિંચિત્ કવચિત્ ગર્કશે,
મારી ટેક શુચિ ધ્વજા પ્રલયના પથોધિમાં ફર્કશે.

સૃષ્ટિના શ્રમથી વિનિદ્રિત પરબ્રહ્મ પ્રશાન્તિ ગ્રહે,
સંસારી જીવમાત્ર નામ રૂપમાં ના ભેદ કાંઈ રહે,
કાન્તે ! કોઈ દિને દિનેશ કિરણો જયારે તમે તર્જ્શે,
મારો નાદ ‘તુંહી તુંહી’ સઘન જો શૂન્યાત્મમાં ગર્જ્શે.

યોગી માણ લહે ટચાક મનમાં શારીરિકી ભ્રાન્તિમાં,
ત્વન્મુખ- દર્શન જો મળે શરિરની શું સર છે ક્ષાન્તિમાં ?
જેનો પાર જડે ન કાંઈ મથતા પ્યારી ચતુસ્સિન્ધુમાં,
તે મેં રત્ન ખરેખરું પરખિયું તારા સુરા બિંદુમાં,

મારું મન હરી જવા મન કરે મસ્તાનની છોરિયો,
પાયે છે મદિરા મને કંઈ અટકચાળી ભલી ગોરિયો,
સીમા સાગરપાર ધૈર્યધનને લેવા કરે લાલસા,
ક્યાં છે રે ! પણ ચિત સાધું સફરું, ના ના લગારે નિશા.

આવી પ્રેમળ પ્રાણહંસ પડિયો આ દેહને પંજરે,
પ્યારી શબ્દ વિના નથી કંઈ પડ્યો તોયે રહ્યો જંજિરે,
ક્યારે પંજરબંધ પૂર્ણ છુટશે કે ચિત આશા ધરે,
ઊડીને પદ પંકજે રસ ભરે કલ્લોલ કામી કરે.

પ્યારી આજનિ કાલ રાત્રિ કરતાં રાત્રી હઝારો વહી,
જોતાં વાટડિ રોજરોજ તુજની નિદ્રા ન નેત્રે રહી,
અંગોઅંગ મળ્યો ન સ્પર્શ, હું વહ્યો છુ વિર્હના સાગરે,
સાચું કહે અપરાધ શો પ્રિય કર્યો છે રંક આ નાગરે.

હું છું નાગર જાત તું રસતણા કલ્લોલમાં ચાતુરી,
હું છું પૂર્ણકલાધર પ્રકટ તું વિદ્યા ચકોરી ખરી,
હું અર્પું કવિતા મધુર તુજને તું મુજને ચુંબને,
પા રે ! અમૃતઘૂંટડા નવિ નવી નિત્યે કવીતા બને.

મારી કોમલ નાદમસ્ત કવિતા સારંગિમાં સૂણ રે,
પાયે નુપુર તાલ આપિ મદિરા આનંદમાં ઘૂમ રે,
જ્યાં જ્યાં માન પડે તું મસ્ત થઈને ત્યાં વાહવા બોલ રે,
આલાપું મૃદુ તાન, કંઠ મુજને વેલી થઈ ડોલ રે.

જન્મ્યો કઈ નથી જગત રીઝવવા દર્કાર શાની ઘરું ?
લેખ્યો લેખ નથી લલાટ પટલે કે નિત્ય સેવા કરું,
જન્મ્યો કાંઈ નથી ભવાઈ ભવને કે ઢોંગ સારું ઘડ્યો,
સ્વછંદી પણ ફંદિ માત્ર તુજનો હા, बाल પાયે પડ્યો.

પ્રેમી પ્રાણિ તણી મહા પ્રણયિની સંપૂર્ણ કામેશ્વરી,
કોટી અર્ફ સમ પ્રભા મુજતણા જે ચિત્તસ્થાનેશ્વરી,
જેના અંશ થકી છું ઉદ્દભુત થઈ તું મારી પ્રાણેશ્વરી,
તે દેવી નિત નિત્યનૂતન સદા त्वां पातु विश्वेश्वरी.

એવી સુંદર મોહિની અહ્હ્હા ! કામી પિતાને કર્યો,
શું આશ્ચર્ય કદાપિ મોહિત થઈ હું શર્ણ જેને ઠર્યો?
સર્વે સાક્ષર નમ્ર ભાવિક જનો જેના રહે આરતી,
તે દેવી નિત નિત્યમંગલમયી ત્વાં પાતુ મે ભારતી.મૂળ ‘સ્નેહાલાપ’ શીર્ષકથી જે કૃતિ ‘વિવિધ જ્ઞાનદર્શક’(વર્ષ ૧,અંક ૩ સપ્ટેમ્બર, ૧૮૯૪)માં છપાયેલી તેમાં ઉપરની કૃતિના ૧ થી ૧૩ શ્લોક ઉપરાંત નીચેના શ્લોકો હતાં:જે વાણી વદતો હતો સ્વજનમાં તે વાણિ મારી ગઈ,

વક્ત્રાવિંદ વિલોકિ કાવ્ય લખતો મારી છટા તે ગઈ,

જે વીણા વદતી હતી સ્વર મિઠા તે વૈરિ પૂરી થઈ,

भद्रे त्वद्र विराहद्र विलोकय दशा का मे निराशामयी !

જો કે આંગળ એક દૂર સજની સંયોગ ગોષ્ઠી કરે,

પામું ના ક્ષણ એક મિષ્ટ ન સૂધા જે મિષ્ટ બિંબાધરે,

થાતું કંપિત ગાત્ર આ શરદના જે ચંદ્રબિંબાકુરે,

પ્યારી કોસ હજાર તો જીવનની રે કોણ આશા પુરે?

ના ના સજ્જન ક્રોધ મારી પરનો ઊતાર બિંબાધરે,

પીસ્યો તો મુજને કહી ખબર છે પ્રાતર સમીરે ખરે,

એ તો હું જ સહું તમામ નુખરાં તારાં, જે ક્ષણે જે ફરે,

રે એ છોડ ગરીબને કંઈ મને બિંદૂ સુધાનું ઝરે,.

તું પૂજે નહિ કોઈ દેવ, ન પૂજું હું કોઈ દેવી અને,

તું દર્શે દિન ના જ શર્વરી મને કાળીકરાળી બને,

તું મારી દિનરાત્રિ માં હું તુજનો, કેવી સ્પૃહા સાંપડી,

આનંદે ઉભરી અહો રસભરી અન્યોન્યની ગોઠડી !શ્રીસૌભાગ્યતણી સુશીલ સજની જે માહરી લેખણી,

નારી નામ તમામ ત્યાગ કરતાં એકાકિની સંગિની,

કલ્પાન્તે સુખદુઃખની સહચરી પ્યારી તજી આજથી,

હાવાં કેમ નથી અનન્ય તુજનો શાને રહું લાજથી?

લક્ષ્મી ચંચલ રોજ છલબલ કરી મંદીર મારે ધસે,

તારે જાવક પાય ચારુ રચવા આશાથિ લાક્ષારસે,

હું એવો નહિ પેસવા દઉં કદી મંદીર મારે રહી,

ખૂંચે કાંઈ કઠોરતાઇ કમળના પાણીપદ્મે રહી.

(અપૂર્ણ)


0 comments


Leave comment