84 - આમ તો / હરિશ્ચન્દ્ર જોશી
યાદ થઈ અટકી જવાનું કાચ વચ્ચે આમ તો.
ને પછીથી ગુમ થવાનું ઝાંખ વચ્ચે આમ તો.
સાવ કાચા દોરના કતરણ સમા દિવસો મળે,
રોજ સપનું ગૂંથવાનું રાત વચ્ચે આમ તો;
સામસામે જઈ ઊભા ચહેરા ઉપર ચહેરા લઈ,
કોઈને પણ ક્યાં મળાયું સારા વચ્ચે આમ તો;
મૌનની બચકી લઈ કોલાહલોના માર્ગ પર,
શબ્દની ઓ’પાર જાવું વાત વચ્ચે આમ તો;
એક આવર્તન પ્રલંબાતું મળે ના સમ કશે,
તે છતાં આલાપવાનું તાલ વચ્ચે આમ તો;
દૂરનો મારગ ક્ષિતિજે આવીને અટકી પડે,
હોય છે ત્યાંથી જવાનું જાત વચ્ચે આમ તો.
0 comments
Leave comment