86 - તેં / હરિશ્ચન્દ્ર જોશી


સ્મરણ વેઢા ઉપર લખતાં જઈ ભણવાનું રાખ્યું તેં.
સુખદ બે, ત્રણ દુઃખદ એવી રીતે ગણવાનું રાખ્યું તેં.

નજરને ત્રાજવે સંબંધની કિંમત કરે કોઈ,
નિખાલસ પ્રેમની પાસેય ખણખણવાનું રાખ્યું તેં;

કબીરાની સમીપે બેસવાનો શું ધખારો કે,
પૂરી ચાદર થઈ તો પણ હજી વણવાનું રાખ્યું તેં;

હયાતી સાવ તકલાદી, ખરે છે જિંદગી ખરખર,
ક્ષણોની પર ક્ષણો મૂકી છતાં ચણવાનું રાખ્યું તેં;

કરી છે ક્યાં કલમ ચોખ્ખી ગઝલગંગામાં બોળીને ?
શબદના તીર્થમાં જઈનેય બણબણવાનું રાખ્યું તેં.


0 comments


Leave comment