15 - નાદાન બુલબુલ / બાલાશંકર કંથારિયા


ભૈરવી ગઝલ
(‘મહોબ્બત ગેરસે તેરી છુડા દે યાં રસુલુલ્લા’- એ રાહ)

ઉડો નાદાન મન બુલબુલ, રહો ગુલઝારમાં ના ના,
વફાઇ એક પણ ગુલની દીઠિ ભર પ્યારમાં ના ના.

સુણાવો ગાનની તાનો જઈને દ્વાર દર્દીને,
અરે બેર્દિદના દર્દે રહો દરકારમાં ના ના.

રહો જ્યાં ચંગ ને ઊપંગ વીણા નાદ વાજે છે,
ઘડી આ બેવફાઈના રહો દરબારમાં ના ના.

કદાપી રાતભર રો તું સહી શરદી ગરીબીથી,
પરંતુ બોલ એ પ્યારે જુલમગારે દિધો ના ના.

સુકાશે તાહરું ગુલઝાર પણે જો ગ્રીષ્મ આવે છે,
પ્રજળશે વિશ્વ વહ્યીથી, રહે તુજ પાંખડી ના ના.

સકોમળ પાંદડી ઊપર ઉન્હાં અગ્ની થકી તારાં,
અરે અફસોસ આંસૂએ અસર કંઈ કરી ના ના.

અબોલા પ્રીતમે તારી દશા કેવી કરી ભારી,
કરૂણાથી રડી ગાતાં નજર કાંઈ કરી ના ના.

પુજારી થઈ ચઢ્યો દ્વારે અરે તે દ્વારમાં તારી,
કતલ કરતાં ખરે પ્યારે અસર કાંઈ કરી ના ના .

નથી અડકાતું ચૂટાતું ફરે ફેરા તું પછવાડે,
ગરીબીની ગુમાનીએ ગરજ કાંઈ ધરી ના ના.

અરે એ પ્રીતમાં આખર ન પ્રીતમ પ્રેમિ પરખાશે,
જશે ગુલબંધ વન થશે ગુજર અંદર થશે ના ના.

રૂવે તું રાતમાં જયારે હસે ત્યારે ગુમાની ગુલ,
અરે એને દિલે દૈવે દયા પેદા કરી ના ના .

સુગંધી વાસમાં ઊદાર મફત છે જન્મથી તેમાં,
ન બાકી બોલની રાખી કૃપણતામાં જરા ના ના.

વિધીના ઊલટા અંકો સુવર્ણે ક્યાં થકી સુરભી?
તને કોમળ અહો મન કેરિ કોમળતા કરી ના ના.

વળી જો એ સ્હેવારે સર્વ અંગોઅંગ ખિલવીને,
જઈ કરશે બિજે હાથે વફાઇ કંઈ ધરી ના ના.

બળાપા બાલ ના થી રાતભર રાકાપતી દાઝ્યો,
સમુદ્રે જઈ પડ્યો શીતળ થવા શાંતી રહી ના ના.


0 comments


Leave comment