6 - ડાળથી ટહુકો ન પડી જાય / ગૌરાંગ ઠાકર
કરવતને કહો વૃક્ષમાં સોપો ન પડી જાય,
જો જો તમે આ ડાળથી ટહુકો ન પડી જાય.
એવું નથી કે કોઈથી આવે ન જુદાઈ,
પણ માનવી ખુદથી અહીં અળગો ન પડી જાય.
મારામાં તને રાખવાનો ગર્વ મને છે,
તું એમ મને મળ કે આ મોભો ન પડી જાય.
મોટી છબી હું ટાંગતા રાખું છું અહીં ધ્યાન,
શૈશવનો દીવાલેથી આ ફોટો ન પડી જાય.
હું રોજ અહીં મનને સતત એમ કહું છું,
બે-ચાર સુખોનો તને ચસ્કો ન પડી જાય.
હું પાત્રનો અભિનય હવે સાચો કરું છું, દોસ્ત,
અધવચ હવે આ મંચનો પડદો ન પડી જાય.
0 comments
Leave comment