106 - અબોલડાં / ચિનુ મોદી


અબોલડાં આવાં તે કેમ તમે લીધાં ?
બીજાં તો ઠીક પણ
છાનાં હૃદયનાં નાનાં પારેવડાં બ્હીધાં
અબોલડાં....

ચૈતરની રાત હોત હૂંફ ભરી ઓરડે
તો સમજત કે દૂર કેમ ઠેલ્યો –
(પણ) કાલે તો પોષ માસ બેઠો ને આજ તમે
એકલડો ઓરડામાં મેલ્યો ?

આંખે તરછોડતાં ચાલો ને પૂછતાં
એવાં શાં વેણ અમે કીધાં ?
અબોલડાં....

ઝાઝા જુહાર તમે દઈએ વિદાય થવા
ચાહો તો પૂંઠ સ્હેજ વાળો,
મારગડે એકવાર ચાલ્યા’તા સાથ, એની
પગલીની ભાત સ્હેજ ભાળો,
આડાં તે એટલાં કે આડાંય વેણ આજ
ઓઠે લાવો ન તમે સીધાં
અબોલડાં......


0 comments


Leave comment