108 - અંધાર / ચિનુ મોદી


હવડ વાવના કોઈ ખૂણામાં
બેઠેલો અંધાર,
કરોળિયાનું જાળું તોડી
નીકળી આવ્યો બ્હાર.

ગામ વચાળે આવી એણે
ઓગાળ્યો આકાર,
કોઈ ઉદાસીન ઘરમાં પેઠો
હવા થઇ તત્કાળ.

માર્જારીની આંખે બેઠો
‘હાશ’ કરને જેહ,
કાય વધારી ઘર આખાને
ભરડો લેતો એહ.

ભરડા-ભીંસે વર્ષો-જૂનું અટક્યું રે ઘડિયાળ
વાગોળોની પેઠે લટકે ઊંધે માથે કાળ.
ઘરની ઘરડી દીવાલોનો ગર્ભ કરે સંચાર
માટીમાંથી જનમ લઈ લે રિક્ત રિક્ત સૂનકાર.


0 comments


Leave comment