110 - સ્મૃતિ / ચિનુ મોદી


પ્હેલા વરસાદ જેવું ઝરમર વરસતું
પ્રિય, તારું વ્હાલ,
ઋજુ ઋજુ ફોરાંઓને ધીમે ધીમે
પિચ્છ ખોલી, ઝીલી લઈ
હળું એવું ટહૂકીને
મયુરની લચકતી ચાલ.

નભ કોરે તાકી રહ્યા
દાદરની આંખમહીં,
આનંદનાં આંસુઓનું પૂર,
નાગુંપૂગું શિશુ – ટોળું
શેરીમહીં
વ્હેંત વ્હેંત કૂદી કૂદી ન્હાયા કરે,
છલકતે સૂર.

આષાઢના આકાશમાં વાદળાં ઘેરાય,
જાણે કોઈ પુરાતન નગરીની રાજવાટે
ભરી સૂંઢ ઉલાળતા
કાળા કાળા પ્હાડમાંથી કોતરેલા
હાથી ચાલ્યા જાય,
વરસાદ ગયો તોયે નળિયાઓ ચૂયાં કર્યા
આખીય તે રાત,

એનું હવે વ્હાલ નહીં તોયે હજી
એના જ તે પ્રણયની રહી રહી
માંડું જાણે વાત.


0 comments


Leave comment