26 - મધમાખ / દામોદર બોટાદકર


( નહિ આપું હે નંદજીના લાલ રે ! મહિડાં મારાં --એ વન)

અલી ! ઊભી રહે મધમાખ રે ! મનડાની મીઠી રે,
તારી જાદુભરેલી જરૂર રે દેહડી દીઠી રે.

તને વહાલી પૂછું એક વાત રે સાંભળી લેજે રે,
તારા ભાવ તણો કૈં ભેદ રે કાનમાં કે'જે રે.

મેં તો જોયાં-જોયાં બહુ ઝાડ રે ડાળીઓ દેખી રે,
વનવેલીતણાં ફળ-ફૂલ રે પાંખડી પેખી રે,

નહિ લાધ્યાં મને તો લગાર રે મધડાં મધુરાં રે,
એનાં દિલ તણાં રસદ્વાર રે ઊધડે અધુરાં રે.

એવી અાંજી કોણે તુજ અાંખ રે સ્નેહની સળીએ રે?
તું તો મધનો નિહાળે મેહ રે ફુલડાંને ફળીએ રે.

મારા કરમાં રહી કરમાય રે ફુલ કૈંક ફોરી રે,
નહિ બોલે ઊંડેરા બોલ રે જીવન જોડી રે.

તને આપે ઉધાડી ઉર રે દેખતાં ડોલે રે,
પ્રેમભીના એ પાથરે પ્રાણ રે રંગમાં રોળે રે.

તારે હૈયે ભર્યાં હશે હોજ રે મીઠડી માતે રે,
રહી સીંચી સદનમાં રોજ રે હેતને હાથે રે.

તને વિધિએ વહાલપની વાત રે શીખવી સાચી રે,
સુધાઝરતો કરે સંસાર રે ઉરની ઊંચી રે.

રહી તોએ ગયો દિલ ડંખ રે એટલી કૂણી રે,
હશે રસની એવી કૈં રીત રે જગથી જૂની રે.


0 comments


Leave comment