4 - સાચી વારતા અથવા હિંદુ સમાજના અંધારા ખૂણામાં દૃષ્ટિપાત / દ્વિરેફની વાતો – ૧ / રામનારાયણ વિ. પાઠક


      મેં કહ્યું : હવે તો વખત નથી જતો. રાત પડી છે ને સ્ટેશને પણ માણસોની ચડઊતર થતી નથી કે બે ઘડી જોઈને મન વાળીએ.

      પેસ્તનજીએ કહ્યું : એ વાંક બધો તમારો છે. અમે હોત તો સેકન્ડ ક્લાસમાં બેસત અને સૂવાનું મળત.

      પેસ્તનજી દારૂખાતાના ઇન્સ્પેક્ટર હતા.
      મેં કહ્યું : પણ અમારા કેળવણીખાતાનો વહીવટ છે કે સેકન્ડનું ભાડું ન ભરવું. મારા પહેલાંના મિસ્તર હતા તે તો બિલકુટ ટિકિટ જ ન લેતા. હું થર્ડની તો લઉં છું.

      મિ. સેંધા બોલ્યા : ટિકિટ ન લેતા પણ બેસતા તો સેકન્ડમાં કની? ટિકિટ તો હું પણ નથી લેતો.
      મિ. સેંધા પોલીસ ઇન્સ્પેક્ટર હતા.

      અંગ્રેજી ભાષાનો લાભ લઈ ડૉ. ભિડે બોલ્યા : પેલી બૈરીઓ પણ મોઢું ઢાંકીને બેઠી છે. ખુલ્લું રાખે તો જરા મોં સામું જોઈને પણ વખત કાઢીએ—સ્ત્રીનું શરીર માંસમજ્જાનું બનેલુ છે એવા જ્ઞાનથી વૈરાગ્ય આવે છે એમ શાસ્ત્રાોમાં કહ્યું છે તે ડૉક્ટરે ખોટું પાડયું.

      મિ. સેંધા [અંગ્રેજીમાં] : રહેવા દો ને! મોં ઉઘાડશે ને કદાચ કદરૂપું નીકળશે તો બેસવું ભારે થઈ પડશે. એ કરતાં આ જ ઠીક છે.
      મિ. પેસ્તનજી : આ મિ. કેશવલાલ આપણને થર્ડ ક્લાસમાં લઈ આવ્યા છે. મૂળ ગુનો એમનો છે માટે એમણે હવે વારતા કહેવી જોઈએ.
      મિ. સેંઘા અને ભિડે : હા, હા…
      મેં કહ્યું : ભલે.
      મિ. ભિડે : પણ પંતૂજી જેવી નહિ. અંદર બૈરીઓ આવવી જોઈએ.
      “કબૂલ!” મેં શરૂ કર્યું.

      “મારે મિ. વિજયરાયની સાથે તકરાર થઈ એટલે એમણે ખટપટ કરી મારી બદલી ભાંડરવા વિભાગમાં કરાવી. આ વિભાગ એટલો જંગલી છે કે અમે એને કાળું પાણી જ કહીએ છીએ. મારે તો ત્યાં મિ. હૅરિસનની સાથે ઓળખાણ થઈ એટલે ઊલટો ફાયદો થયો. એ વખતે મિ. હૅરિસન આસિસ્ટન્ટની જગા ઉપર હતા. અત્યારે તો એ બહુ હોશિયાર ઑફિસર ગણાય છે, પણ તે વખતે તો નવાસવા હતા. ચોવીસેક વરસના હતા. શિકારના શોખીન એટલે આ બાજુ કૅમ્પ કરવો એમને બહુ ગમતો. આખો દિવસ શિકારમાં ફર્યા કરે અને સાંજે આવી કારકુન કહે ત્યાં બિલાડાં ચીતરી આપે. પણ સેશન્સ કેસ આવે ત્યારે ન છૂટકે આખો દિવસ કામ કરવું પડે. એવો એક સેશન્સ કેસ આવ્યો હતો. ઍસેસરમાં મને અને તેલગઢના એક વાણિયાને બોલાવ્યો હતો. અમે ગયા અને બરાબર 11 વાગ્યે કેસ શરૂ થયો.

      તહોમતદારમાં બે બાઈઓ ઘૂંઘટા તાણીને બેઠેલી હતી. એકે કાળો સાળુ પહેરેલો હતો અને આધેડ દેખાતી હતી. બીજીએ લાલ સાળુ પહેરેલો હતો અને જુવાન દેખાતી હતી. કેસમાં સાક્ષીઓ ઘણા થોડા હતા. પહેલાં મંજીરગઢના પોલીસ કૉન્સ્ટેબલની જુબાની લેવાઈ. તેણે કહ્યું : “મરનાર કેશરીસિંહ વજેસિંહને ઓળખું છું. તેનું ઘર ગામ બહાર થોડે દૂર ગામથી ઈશાન ખૂણામાં આવ્યું. મારા થાણાથી તે ત્રણસેં ડગલાં દૂર થાય – અહીં તેણે ગામનો, થાણાનો અને મૈયતનો ઘરનો નકશો રજૂ કર્યો – ગુનાની તારીખે હું થાણા પર હતો. રાત્રે 9 – 10 વાગ્યે મરનારના ઘરમાંથી મેં એકદમ ચીસ સાંભળી. ચીસ તહોમતદાર નં. 2 બાઈ હરિની હતી. ‘દોડો રે દોડો! મારી નાખ્યા’ એવી ચીસ હતી. તે ઉપરથી હું દોડયો. ઘરમાં જઈને જોઉં છું તો મરનાર બેભાન અવસ્થામાં તેના ઘરમાં પડેલો હતો. બાઈ હરિ ચીસો પાડી રડતી હતી. બાઈ રૂખી હેબકાઈ ગયેલી બેઠી હતી. બાઈ રૂખી મરનારની જૂની ઓરત થાય અને બાઈ હરિ તેની નવી ઓરત થાય. મરનારને તેની જૂની ઓરત સાથે બનતું નહોતું તેથી તેને બાર મહિને દસ રૂપિયા આપવા કરી જુદી કાઢી હતી.”

કોર્ટ : ક્યારથી અણબનાવ હતો અને ક્યારથી જુદી કાઢી હતી?
જવાબ : અઢી વર્ષ ઉપર કેશરીસિંહ આ નવી બૈરી હરિને લઈ આવ્યો ત્યારથી તેને જુદી કાઢી હતી.
કોર્ટ : બાઈ હરિને તે ક્યાંથી લાવ્યો?
જવાબ : તે જાણતો નથી.

કોર્ટ :
બાઈ હરિને તમે ખૂન વિશે તે જ વખતે કાંઈ પૂછેલું?
જવાબ : હા જી. તેણે કહ્યું કે મને મારી મોટી બહેનની દયા આવી. તેથી મેં એમને સમજાવ્યું કે આજ તેને કાંઈ બહાનું કાઢી નોતરું દો. પછી હું ઘરમાં રાંધતી હતી. મારા ધણી ઘરમાં બેઠા બેઠા હોકો ભરતા હતા. તે લાગ જોઈને મારી શોક્યે મારા ધણીની તલવારથી મારા ધણીને માર્યો એ પ્રમાણે બાઈ હરિએ મને કહેલું.

કોર્ટ : તમે બાઈ રૂખીને કાંઈ પૂછેલું?
જવાબ : હા જી, પણ તેણે કાંઈક જવાબ આપ્યો નહોતો. મેં બાઈ રૂખીને કબજે કરી થાણામાં મોકલી. ગામના પંચોને બોલાવી પંચક્યાસ કરાવ્યો તે રજૂ કરું છું. મરનારને ડૉક્ટરને ત્યાં મોકલ્યો. આ કપડાં મૈયતનાં છે. તલવાર ત્યાં પડી હતી તે આ છે. આ માટલામાં ભરેલી ધૂળ ગુનાવાળી જગામાંથી મેં લેવરાવી તે છે.

કોર્ટ : ત્યારે બાઈ હરિને શા માટે અને ક્યારે કેદ કરી?
જવાબ :ન્સ્પેક્ટર પોતે તપાસ કરવા આવ્યા હતા. તેમણે તેને કેદ કરી. ત્રણ દિવસ પછી કેદ કરી.
મિ. સેંધા :
પણ બાઈ હરિને શા માટે કેદ કરી હશે?

મિ. ભિડે : એ હું કહું. મિ. કેશવલાલ! નવી બૈરી વધારે રૂપાળી હતી ખરી કે નહિ? દેશી રાજ્યનો ઇન્સ્પેક્ટર રૂપાળી બૈરી આવતી હોય તો જવા દે કે?
મેં કહ્યું : મારી વાત ખરીખોટી તમારે માનવી હોય તેવી માનજો. પણ વારતા તો છે જ. અને વારતા કહેનારને ઠીક પડે તે રીતે વારતા કહેવાનો હક છે.
મિ. ભિડે : તો કાંઈ નહિ. વધારે જુવાન તો હતી જ. એ તો એ જ કારણ.

     મેં આગળ ચલાવ્યું : ‘કોર્ટે પોલીસખાતાના કાગળો જોયા તો તેમાં કાંઈ કારણ બતાવેલું નહોતું. કોર્ટે પૂછયું કે એ ઇન્સ્પેક્ટર કેમ જુબાની આપવા નથી આવ્યા, તો જવાબ એવો આપ્યો કે તે ક્યાં છે તેની ખબર નથી. પછી કોર્ટે બંને તહોમતદારોને પૂછયું કે તમારે કાંઈ ઊલટતપાસ કરવી છે? બેમાંથી કોઈ બોલ્યું નહિ. કોર્ટે બંનેનાં મોં ખુલ્લાં કરવા કહ્યું તે પણ તેમણે ન કર્યું. શિકારનો શોખીન જડજ ઉતાવળો થતો હતો. તેણે મારા તરફ જોયું. તેમને અનુકૂળ થવા મેં કહ્યું : ‘શી જરૂર છે?’ કોર્ટે કહ્યું : ‘પણ નં. 2ની તહોમતદારણ સમજુ છે કે કેમ તે મારે જોવું છે. સમજુ હોય તો કદાચ મારે છેવટે તેને છોડી મૂકી સાક્ષી તરીકે લેવી પડે.’ મેં કહ્યું : ‘તહોમતદારોનો જવાબ લેવાનું થાય ત્યારે જોઈશું.’ પછી મેં જ બાઈઓને પૂછયું : ‘તમારે કાંઈ પૂછવું છે?’ બંનેએ માથાં ધુણાવ્યાં. ‘ઊલટતપાસ નથી’ લખી કામ આગળ ચલાવ્યું.
      બીજો સાક્ષી ડૉક્ટર ગિરજાશંકર પ્રાણશંકર મહેતા હતો. તેણે પ્રથમ મરનારના શરીર ઉપરની ઈજા સંબંધ ગુનાની રાતે કરેલી તપાસનો રિપોર્ટ રજૂ કર્યો. પછી ત્રણ દિવસ પછી મરણ બાદ કરેલી તપાસનો રિપોર્ટ—પોસ્ટમૉર્ટમ રિપોર્ટ રજૂ કર્યો. કોર્ટે તે ઉપરની સહી જોઈ પૂછયું : ‘આના ઉપર સહી જી. પી. જોશીની છે તે કોણ?’

જવાબ : એ મારા પહેલાંનાં ડૉક્ટરે કરેલા રિપોર્ટ છે. તેઓ રજા લીધા સિવાય ચાલ્યા ગયા છે અને તેમનો પત્તો નથી. દવાખાનામાંથી આ એક બીજો કાગળ મળી આવ્યો છે. તે રજૂ કરવો મારી ફરજ સમજું છું. મરનાર કેશરીસિંહના મરણ પહેલાંના શબ્દોની નોંધ છે. તેમાં પણ સહી જોશીની જ છે. ‘મને નવીએ માર્યો છે,’ એટલા જ શબ્દો તેમાં છે.

કોર્ટ : રિપોર્ટમાં લખ્યું છે કે માથાની ધોરી નસ કપાઈ છે. તે કપાયા પછી માણસ જીવી શકે અને બોલી શકે?
જવાબ :
ના જી. જો ગળાની ધોરી નસ કપાઈ હોય તો તરત મૃત્યુ થાય. ‘ઊલટતપાસ નથી’ લખી જુબાની બંધ કરી.

કોર્ટે મંજીરગઢના પોલીસખ્ર્અમલદારને ફરી બોલાવી પૂછયું : મરનારને ઈજા થયા પછી તે તરત મરી ગયો?
જવાબ : ગુના પછી તરત હું ગયો. ત્યારે બેભાન હતો પણ જીવતો હતો.
કોર્ટ : તેની જુબાની લેવા પ્રયત્ન કરેલો?
જવાબ : તે ત્રણ દિવસ જીવ્યો. પહેલા બે દિવસ હું જોવા ગયો ત્યારે શુદ્ધિમાં નહોતો. ત્રીજે દિવસે ઇન્સ્પેક્ટર આવ્યા તે જોવા ગયા.
      તેમણે આવીને બાઈ હરિને કેદ કરી અને તે પછી સદર કેશરીસિંહ ગુજરી ગયો.

      હવે માત્ર તહોમતદારની જુબાની લેવી રહી. પહેલાં નં. 1 ની બાઈ રૂખીને ઊભી કરી. તે હાથ જોડી ઊભી રહી. કોર્ટે તેને મોઢું ઉઘાડી નાખવા કહ્યું પણ પહેલાં તો તે ન માની. મેં સમજાવી તે કોર્ટ તો માબાપ કહેવાય ત્યારે મોં ઉઘાડયું.

      હું તમને કહું? જગતમાં રૂપનો દેવ ગણાય છે તેવો કોઈ કદરૂપપણાનો દેવ છે?
      ડૉ. ભિડે સંસ્કૃત અને વેદાંત બંનેની મશ્કરી કરતા બોલ્યા : રૂપનો દેવ કામદેવ અને કદરૂપપણાનો નિષ્કામદેવ!

      મેં આગળ ચલાવ્યું : ‘એના જેવી કૂબડી સ્ત્રી મેં ક્યાંય જોઈ નથી. તેના હોઠ અતિશય જાડા હતા અને બહાર નીકળેલા દાંતથી તેની જાડાઈ પણ વિષમ થઈ ગઈ હતી. તેનું કપાળ ટૂંકું હતું અને આંખો ચકળવકળ થયા કરતી. તે વચ્ચેથી જાડી, માથે પગે પાતળી રમવાની મોઈ જેવી દેખાતી હતી. તેના ગાલ પર એક મોટો મસો હતો અને તેના પર તમારા નિષ્કામદેવે પોતાના વિજયધ્વજ જેવો એક મોટો સફેદ વાળ રોપ્યો હતો.’
 મિ. ભિડે : ત્યારે એ બિચારાએ નવી કરી એમાં નવાઈ શી?

મિ. સેંધા : બાઈ હરિએ દયા લાવી પોતાની શોક્યને નોતરી, એ બાબત પહેલાં મને અસંભવિત લાગતી હતી પણ હવે મનાય છે.
      આટલી કદરૂપી સ્ત્રીની ઈર્ષ્યા કરવાની જરૂર જ ન હોય.
મેં કહ્યું : હજી વાત સંભવિતખ્ર્અસંભવિત કહેવાનો વખત આવ્યો નથી. હજી વાત તો અધૂરી છે.
મિ. સેંધા : હવે જાણી તમારી વાત. અમે આવા કંઈ કેસો કર્યા છે. કેસ ઘણો જ સહેલો છે. આટલા પુરાવા ઉપર નં. 1 ને ગુનેગાર ઠરાવી શકાય. અને નં. 2 ને સાક્ષી કરે તો તો તદ્દન સાબિત!

મેં કહ્યું : પણ ડૉક્ટરના રિપોર્ટમાં મરનાર પોતે કહે છે કે નવીએ માર્યો તેનું શું?
મિ. સેંધા : એ તો દરેક કેસમાં કંઈક તો સમજ્યા વિનાનું રહી જ જાય. પણ મારા અઢાર વર્ષના અનુભવથી કહું છું કે ખૂની તો બાઈ રૂખી જ છે. હું એમ બેસતું કરું કે ડૉક્ટર અને ઇન્સ્પેક્ટર બાઈ હરિ પર નવો કેસ કરવા ગયા તેમાં ફાવ્યા નહિ તેથી જ નાસી ગયા. ધોરી નસ કપાયા પછી તે કોઈ જીવે ખરું?

મેં કહ્યું : પણ ત્રણ દિવસ જીવ્યો તેનું શું? પણ એ જવા દો. મારી વારતા આગળ ચલાવું : “બાઈ રૂખીનો જવાબ લીધો. તે અતિશય મૂઢ હતી. તેને પૂછતાં તેણે એટલું જ કહ્યું કે અવાજ થવાથી હું ગઈ ને બારણું ઉઘડાવ્યું તો મરનાર ઘાયલ પડેલો હતો. ઘરમાં નવી સિવાય કોઈ નહોતું. નવીએ ખોટું આળ ચઢાવ્યું છે. કોણે માર્યો તે મને ખબર નથી. મને પોલીસે પકડી. હું કાંઈ જાણતી નથી. હું મરનારથી ત્રણેક વરસથી જુદી રહું છું. મારે નવી સાથે કાંઈ પણ અણબનાવ નથી. મને નોતરું દીધું નહોતું.
      હવે તો હકીકત ઘણી જ ગૂંચવાઈ. હવે નવી શું કહે છે તે સાંભળવા કોર્ટ અને અમે સઘળા ઘણા જ આતુર થઈ રહ્યા.

      નવીને મોઢું ખોલવાનું કહ્યું પણ તેણે ખોલવાને બદલે ઊલટું રોવા માંડયું. કોર્ટ મૂંઝાઈ. મેં કહ્યું કે એ તો બધી સ્ત્રીઓ જુબાની આપતાં પહેલાં આમ જ કરે. આપ પોલીસને કહો, તેને મનાવે અને એટલામાં કાંઈ કાગળોમાં સહીઓ કરાવવી હોય તો કરી લો. કોર્ટે શિરસ્તેદારોની સામું જોયું. શિરસ્તેદારે કહ્યું કે એક કાચી જેલનો કેદી છે તેને ચોવીસ કલાક થઈ ગયા છે અને પાછો પોલીસ જાપ્તામાં સોંપવાનો છે. તેની રજૂઆત કરવાની છે.

      તરત જ તેને બોલાવ્યો. અમે બધા તો હરિ તરફ જ જોયા કરતા હતા. અમારે લીધે નવો તહોમતદાર તેના તરફ જોવા લાગ્યો. શિરસ્તેદારે સાધારણ પૂછયું : ‘અલ્યા શી નાત છે?’ તે કહે : ‘ઓંજણો.’ મેં કહ્યું : ‘તો જરૂર કાંઈ બૈરીની તકરાર હશે.’ શિરસ્તેદાર કહે : ‘ના, ના, બળદની ચોરી છે.’ એટલામાં હરિએ મોં ઉઘાડયું. તેને રૂપાળી કહી શકાય તેવી તે હતી. બાંધો નાનો અને બેઠા ઘાટનો, જેને ઉંમર જણાતી નથી તેવો હતો. વર્ણ સફેદ હતો પણ એવો સફેદ કે તેના સામું જોયે આપણને જુગુપ્સા થાય. મોંના અવયવો પ્રમાણસર હતા પણ એવા હતા કે મનમાં શા વિચારો ચાલે છે તે જરાયે કળાય નહિ. આંખો માંજરી હતી અને સ્ત્રીઓ એમ જ કહે કે તેની આંખમાં સાપોલિયાં રમે છે. ટૂંકમાં તે પ્રથમ દૃષ્ટિએ રૂપાળી હતી, પણ તેના સામે જેમ જેમ જોઈએ તેમ તેમ કાંઈક અકથ્ય અભાવ જ વધતો જાય! તેની પાસેથી જતા રહેવાની ઇચ્છા થાય અને છતાં તેનાથી દૂર નજર ન ખસેડી શકાય એવી તે હતી.

      હું તેને નિહાળીને જોતો હતો. એટલામાં પેલો ઓંજણો ધ્રૂજી ઊઠયો અને બે હાથ જોડીને સાહેબને કહે : ‘બાપજી, મારે અરજ કરવાની છે.’ પોલીસો ચમક્યા કે કાંઈ પોલીસે માર માર્યાની કે એવી વાત કરશે. મેં જાણ્યું કદાચ ગુનાની કબૂલાત આપવાની હશે. કોર્ટ કહે : ‘બોલ શું છે?’
 ઓંજણો : બાપજી, પેલી બૈરી મારી છે.
કોર્ટે કહ્યું : કઈ? પહેલા નંબરની? – જાણે જગત આખું કોર્ટના નંબરોમાં જ વિચાર કરતું હોય!
ઓંજણો બોલ્યો : બાપજી, ધોળી છે તે — વાછડી ઓળખાવતો હોય તેમ.
કોર્ટ : એનું નામ શું?
ઓંજણો, જરા અટકીને : તેજી.
      કોર્ટે નીચલી કોર્ટનો બાઈ હરિનો જવાબ જોયો. તેણે નીચલી કોર્ટમાં કશું કહ્યું નહોતું. તેનું નામ હરિ જ હતું ને બીજું કોઈ નામ લખેલું નહોતું. તેનું કહેવું અમે કોઈએ માન્યું નહિ. મેં મશ્કરીમાં શિરસ્તેદારને કહ્યું : ‘જુઓ, બૈરીની વાત નીકળી કે નહિ!’ કોર્ટે ઓંજણાને ખખડાવીને કહ્યું : ‘સાબિત કરી આપવું પડશે.’
ઓંજણો : બૈરી મારી છે ને! એક કે’તા એકથી પુરાવા આપું.
કોર્ટે ઓંજણા સામું જોયું. પછી હરિ સામે જોઈને પૂછયું : આ કહે છે તે ખરું?
હરિ : હા સાહેબ.
      અમારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ. કોર્ટે હરિને કહ્યું : તારી બધી હકીકત કહે.
      હરિએ શરૂ કર્યું : હું મેંગણાના ઠાકોરની ખવાસણ છું. મારું સાચું નામ વાલી છે.

શિરસ્તેદાર : મેંગણાના ઠાકોરની ગોલી બાઈ વાલીને મંજીરગઢના ઠાકોરે નસાડી મૂકી એ બાબતમાં ત્રણ વરસ ઉપર તુમાર ચાલેલો, તે આ જ બાઈને માટે હશે?
હરિ : હા સાહેબ.
કોર્ટ : તને શી ખબર?

હરિ :
મેંગણાના ઠાકોરને ત્યાં રહેતી હતી, ત્યાં મારે બહુ દુઃખ હતું. ત્યાં આ કેશરીસિંહ આવ્યો અને મને લઈ ગયો. જૂનીને જુદી કાઢી. બેત્રણ મહિના રહ્યાં. ત્યાં મંજીરગઢના ઠાકોરનો માણસ આવ્યો અને તેણે કહ્યું કે સરકારમાં તમારી તપાસ ચાલે છે તે રાજમાંથી જતાં રહો. પછી આવજો. હું ને કેશરીસિંહ બન્ને નાઠાં. રસ્તામાં કેશરીસિંહે મને સમજાવી કે આમ રખડતાં પકડાઈ જઈશું. માટે થોડા મહિના તું કોઈ બીજાના ઘરમાં રહે. બીકનાં માર્યાં મેં હા પાડી. પછી કેશરીસિંહે મને એક કુંભારને ત્યાં રૂપિયા 700 લઈ પરણાવી અને મને કહ્યું કે છ મહિને તેડવા આવીશ. છ મહિને તે ચોરીથી નસાડી ગયો.
કોર્ટ : તું કેમ ગઈ?
હરિ : મને કુંભારને ત્યાં ગમતું નહોતું.
કોર્ટ : પછી શું થયું?

હરિ : હું પાછી આવી. થોડા દહાડા લહેર ઉઠાવી પણ પછી રૂપિયા થઈ રહ્યા એટલે ફરી મને ફોસલાવીને તેણે આ ઓંજણાને ત્યાં પરણાવી. રૂપિયા 900 લઈ પરણાવી. આઠ નવ મહિને મને એ ત્યાંથી પણ પાછો લઈ ગયો.
ઓંજણો : સાહેબ, મારાં ઘરેણાં પણ લઈ ગઈ છે. આ ડોકમાં છે તે મારાં છે.
કોર્ટ : ઠીક, આગળ કહે.

હરિ : પાછાં આવીને એ રૂપિયા પણ ઉડાવી ખાધા એટલે એણે આ ઘરેણાં માગ્યાં. મેં કહ્યું, એ તો મારાં છે. એણે મને ફરી બાયડમાં પરણવાની લાલચ આપી. મને કહે કે ત્યાં તો ઘરેણાં બહુ જ મળશે ને કામ પણ નહિ કરવું પડે. પણ મને ત્યાં ઓળખાઈ જવાની બીક લાગતી હતી, એટલે મેં ના પાડી. ત્યારે એણે કહ્યું કે તારું નામ સરકારમાં જાહેર કરી દઈશ. છેવટે તેનાથી કાયર થઈ મેં આ કામ કર્યું.
કોર્ટ : તેં એને માર્યો! મારે જૂની પર આળ શા સારુ નાખ્યું? એણે તારું શું બગાડયું હતું?

હરિ : મેં એને માર્યો ત્યારે અવાજ આવ્યો. તે સાંભળીને જૂની આવી ને ઘર ઉઘડાવવા લાગી. થોડી વાર તો હું કાંઈ ન બોલી અને ન ઉઘાડયું, છતાં તે માની નહિ ત્યારે મારે એના ઉપર નાખવું પડયું.
કોર્ટ : ત્યારે તારા ધણીને તેં માર્યો કેવી રીતે?

હરિ : કાંઈ વાત ઓઠે વાત નીકળતાં મેં કહ્યું : ‘આ આંધળા માણસો પોતાનાં ઘર શી રીતે શોધી કાઢતા હશે? જુઓ જોઈએ મને આવડે છે?’ એમ કહીં મેં મારી આંખે પાટા બંધાવ્યા અને પછી કહ્યું કે મને તો કાંઈ જડતું નથી, તમે કરો જોઈએ. પછી એમની આંખે પાટા બાંધી મેં કહ્યું : ‘પાણી લાવો જોઈએ.’ તે પાણી લેવા જતો હતો ત્યાં મેં તલવાર મારી.
      આ હકીકતથી અમે બધા એટલા બધા થાકી ગયા કે કોર્ટે મુદત પાડી.”
ડૉ. ભિડે : પછી કેસનું શું થયું?
મેં કહ્યું : મારી વારતા અહીં જ પૂરી થાય છે.
મિ. સેંધા : આગળ શી રીતે ચાલે? ખોટી હોય તે! ડૉક્ટરના સર્ટિફિકેટનો ખુલાસો થતો નથી!
મેં કહ્યું : પણ તમે જ કહેતા હતા ને દરેક કેસમાં કંઈક તો સમજ્યા વિનાનું રહી જ જાય.

મિ. સેંધા : પણ હરિને ખૂન કરવું હોય તો એના ધણીને મધરાતે જ મારે નહિ? પાટા બાંધવાનું નાટક શા સારુ ભજવે? હું તો આ ન માનું. કેમ મિ. પેસ્તનજી! તમને શું લાગે છે? કેમ ડૉક્ટર?
બન્ને : અલબત્ત, ખોટી છે.
‘ના ખરી છે.’ અમારા ખાનામાં છેવાડે બેઠેલી બાઈએ ધીમે રહી કહ્યું.
મિ. સેંધા : તેની ખાતરી શી?
      બાઈએ મોં ઉઘાડયું. ધીમેથી ખીસામાંથી એક રેલવે પાસ કાઢયો. આંદામાનથી છૂટેલા કેદીને પાછા દેશમાં જવા જે રેલવે પાસ આપે છે તે તે હતો. તેમાં છોડેલા કેદી તરીકેનું નામ બાઈ હરિ ઉર્ફે વાલી હતું.

      તે તેની તે જ હરિ કે વાલી કે તેજી હતી. તેની સામું જોતાં ડૉ. ભિડેને પણ જુગુપ્સા થઈ. એના મનમાં શા વિચાર ચાલતા હતા તે અમે કોઈ કળી શક્યા નહિ. તેની માંજરી આંખોમાં સાપોલિયાં રમતાં હતાં. તેની સામે જોતાં અમારા મનમાં કોઈ અકથ્ય અભાવ વધતો જ ગયો. ત્યાંથી જતા રહેવાની અમને ઇચ્છા થતી હતી. અને છતાં તેના તરફથી અમે નજર ખસેડી શકતા નહોતા.

      આખે રસ્તે અમે કોઈ એક શબ્દ પણ બોલી શક્યા નહિ.


0 comments


Leave comment