17 - દોસ્ત / ગૌરાંગ ઠાકર


તું મને ના આ રીતે અજમાવ, દોસ્ત,
બસ, મને ના કોઈથી સરખાવ, દોસ્ત.

આ હલેસાંને હવે સમજાવ, દોસ્ત,
સાવ જૂની થઈ ગઈ છે નાવ, દોસ્ત.

હું મને મારો ગણું બસ એટલે,
તું મને ‘મારો’ કહી બોલાવ દોસ્ત.

ટોચ પર પહોંચ્યા પછી સાવધ થયો,
ટેકરીને હોય છે ઢોળાવ, દોસ્ત.

જો કશું ના થઈ શકે તો એમ કર,
જે અહીંયાં થાય તે અપનાવ, દોસ્ત.

પારકી પીડા અમે વ્હોરી લીધી,
ત્યારથી આવી ગયો બદલાવ, દોસ્ત.


0 comments


Leave comment