19 - કોણ બંદગી વિશે સમજાવતું હતું ? / ગૌરાંગ ઠાકર
બાળક જે ઓટલે અહીં ઊંઘી ગયું હતું,
વાળુના નામે એણે તો પાણી પીધું હતું.
જૂની જગાએ મન ફરી તું કેમ જાય છે ?
વાગ્યા ઉપર તને ત્યાં નવું વાગતું હતું.
આખો દિવસ બજારમાં વેચી દીધા મેં હાથ,
આ કોણ બંદગી વિશે સમજાવતું હતું ?
મોંઘાં રમકડાંને અહીં નિર્ધન પિતા જુએ,
મેં એમ સ્વપ્ન જોઈને મૂકી દીધું હતું.
કૂકડાની બાંગ થઈ અને ફફડી ગયું જગત,
કેવી રીતે દિવસ જશે સૌને થતું હતું.
સાંજે જતો આ સૂર્ય મને એમ લાગતો,
જાણે કે હાથ છોડીને કોઈ જતું હતું.
મારાથી હું અલગ છું એ સાબિત થઈ ગયું,
જીવું છું જે રીતે એ મને ખૂંચતું હતું.
0 comments
Leave comment