25 - ધ્યાન રાખું / ગૌરાંગ ઠાકર
તમે બધાથી અલગ છો તેથી, તમારું નોખું હું ધ્યાન રાખું,
ગુલાબ લઈને તમે મળો તો, હું મ્હેકની લ્યો દુકાન રાખું.
કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારાં ઘરના દીવાને માટે, હવાને આજે હું બાન રાખું.
તમે અહીંયાં સૂરજ સમા છો, જશો ન આઘા ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.
ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજી તો ડાળી ઝૂલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.
પ્રસંગ મારી દીવાનગીનો, હું રોજ ઊજવું છું ધામધૂમથી,
બધાં જ દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.
હું કૈંક જન્મોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું,
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.
0 comments
Leave comment