28 - હથેળીને છુપાવી રાખી / ગૌરાંગ ઠાકર
સાવ ખાલી મેં હથેળીને છુપાવી રાખી,
એ રીતે આબરૂ ઈશ્વરની બચાવી રાખી.
તું પવન છે અને ફૂંકાય અહીં, માનું છું,
મેંય નિસબત પછી ખુશ્બૂથી બનાવી રાખી.
ચારબાજુથી અહીં તીર સતત વરસે છે,
જીવવું કેમ આ ટહુકાને દબાવી રાખી.
મ્યાન તલવાર કરી ત્યાં જ જગત જિતાયું,
જંગની એ જ છબી ઘરમાં મઢાવી રાખી.
કોઈ કારણ ન હતું તોય તમે વાત કરી,
એ જ કારણથી અમે વાત વધાવી રાખી.
0 comments
Leave comment