3 - ભાભી / દામોદર બોટાદકર


( મહિડાંનાં દાણ અમે નહિ દઈએ રે લેલ–એ ઢાળ)
ટહૂકે વસન્તકુંજ કોકિલા રે લોલ,
ઘરમાં ભાભીનાં એવાં ગીત રે.

ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ.

વીરા મારાની મયુર મોરલી રે લોલ,
નવલા એ રાગ વહે નિત્ય રે. ભાભીના૦

છોડી પિયરની એણે પાલખી રે લોલ,
મૂકી માયાભરી ભરી માત રે. ભાભીના૦

વહાલાંને સંગ કર્યો વેગળો રે લોલ,
મારા એ બન્ધવાને માટ રે. ભાભીના૦

સહિયરને સાથ ત્યજ્યો સામતો રે લોલ,
દાદાનો દૂર કર્યો દેશ રે. ભાભીના૦

ખાંતનાં ભરેલ ત્યજ્યાં ખેલણાં રે લોલ,
છોડ્યો બાળાપણ વેશ રે. ભાભીના૦

સાધી શકે ન અમરસુન્દરી રે લોલ,
એવો અમેાલ એનો ત્યાગ રે. ભાભીના૦

શાં શાં તે મૂલ એનાં અાંકીએ રે લોલ,
શાં શાં સમર્પીએ સોહાગ રે. ભાભીના૦

એને માડીનો સેાહે મોડિયો રે લોલ,
રૂડાં દાદાજીનાં રાજ રે. ભાભીના૦

વહાલ અખંડ મારા વીરનું રે લોલ,
લાખ ટકાની કુળલાજ રે. ભાભીના૦

એને મંદિર, એને માળિયાં રે લોલ,
સોળે સજાવું શણગાર રે. ભાભીના૦

એને તે કોષ તણી કૂચીએ રે લોલ,
હીરા ને મોતીઓ હજાર રે. ભાભીના ૦

એ તો અમારી અન્નપૂરણા રે લોલ,
વીરાના વંશ કેરી વેલ્ય રે. ભાભીના૦

હસતી ઉષા એ અમ આભની રે લોલ,
રઢિયાળી રંગડાની રેલ રે. ભાભીના૦

માડીજાયો તે મધુર મોરલો રે લોલ,
ભાભી ઢળકતી શી ઢેલ રે. ભાભીના૦

વીરો મહેરામણ મીઠડો રે લોલ,
શીળી સરિતની એ સેર રે. ભાભીના૦

ચળકે સદાય એને ચાંદલો રે લોલ,
જીવે એ જુગ-જુગ જોડ રે. ભાભીના૦

હૈયાં એ હેતભર્યાં હીંચજો રે લોલ,
પૂરે પ્રભુજી એના કોડ રે. ભાભીના૦


0 comments


Leave comment