32 - બારી ઉઘાડી રાખીએ / ગૌરાંગ ઠાકર
હાથને હુન્નરથી જોડી રાખીએ,
ક્યાં સુધી ખોબો બનાવી રાખીએ ?
પાંદડાં પંખી લૂછે છે પાંખથી,
ચાલને વંટોળ રોકી રાખીએ.
બસ બધાંને રોકડું પરખાવશું,
વહાલ માટે શું ઉધારી રાખીએ ?
આ પ્રણય સમજાવવા કરતાં અહીં,
આપણે વરસાદ ઓઢી રાખીએ.
ચકલીનો બંધાય માળો એટલે,
આપણે બારી ઉઘાડી રાખીએ.
રાત પૂછે આપણી આ દોડ જોઈ,
સૂર્યની શું રાતપાળી રાખીએ ?
0 comments
Leave comment