35 - લાગે છે / ગૌરાંગ ઠાકર


ટોચ માટે પ્રયાસ લાગે છે,
ખીણમાં પણ ઉજાસ લાગે છે.

આભ આખું ઉદાસ લાગે છે,
દોસ્ત, આજે અમાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

પહાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
એને ખળભળનો ભાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ ?
ક્યાંક તું આસપાસ લાગે છે.

ફાંસ ફૂલોની અમને વાગી છે,
શ્વાસ એથી સુવાસ લાગે છે.


0 comments


Leave comment