6.5 - રે પંખીડાં... દૂરથી ઊડતાં..... / સંવાદ / જ્વલંત છાયા


      કલાપીએ લખ્યું હતું, ‘એ પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો...’ અને બીજી એવી જ એક કવિતાની સુંદર શરૂઆત છે ‘રે પંખીડાં સુખેથી ચણજો, ગીતડાં કાંઈ ગાજો....’ પક્ષી નિસર્ગનું એવું રમ્યા સર્જન છે કે જેને જોઇને આપણે થનગનવા લાગીએ, મન પંખીની સાથે જ ક્યારેક ઉડતું હોય તેવું બને ‘પંખ હોતી તો ઉડ આતી રે...’ એવી ઈચ્છા થઈ આવવી માનવ સહજ છે કારણ કે પક્ષીઓની અનેક વિવિધતા, વિશિષ્ટતાઓ પૈકીની અતિ મહત્વની વિશેષતા છે. તેની પ્રવાસન ક્ષમતા માણસને જે પ્રવાસનો વિચાર કરતાં પણ દિવસો લાગે તેટલો લાંબો પ્રવાસ આ પાંખાળા દૂતો કરતાં હોય છે. ચકલી, પોપટ, મોર, હોલો, તેતર, કાગળો જેવા ધરોબો ધરાવતા પક્ષીઓનો પરિચય પણ શહેરમાં રહેતાં લોકોને હવે વિશેષ નથી રહ્યો અને ઘોંઘાટો, અવાજો અને કોલાહલોનાં નગરમાં કોયલનો ટહુકો તો અલભ્ય લહેકો બનીને રહી ગયો છે. પરંતુ આપણે જેને નથી જાણતા એવા પક્ષીઓની પણ ઘણી બઘી આકાશી વાતો છે.

      સર્પ જેમ ઉનાળામાં રાત્રે બહાર વધારે દેખાય છે તેમ પક્ષીનો ઠંડા પ્રદેશોમાંથી શિયાળા દરમિયાન ભારત તરફ દોડી આવે છે એટલે કે સોરી હો ઊડી આવે છે. અબાબીલ નામના એક પક્ષી વિશે કહેવાયું છે કે તે નદી કે તળાવનાં કિનારે થયેલા કાદવ કીચડમાં પોતાનું કામચલાઉ ઘર કરીને શીતઋતુ વિતાવે છે અને વસંત ઋતુના આગમન સાથે જ બહાર આવી જાય છે.

      કેટલાક પક્ષીઓ તો શિયાળાના છડીદાર છે. ખંજન નામના પક્ષીઓનો ઉલ્લેખ રામાયણમાં પણ છે. આ ખંજન પક્ષી સપ્ટેમ્બર માસમાં હિમાલય ક્ષેત્ર છોડવાની શરૂઆત કરે છે અને ઓક્ટોબર કે નવેમ્બર માસ સુધીમાં આ તરફ આવી જાય છે. આ પક્ષીઓ ગુજરાત કે મહારાષ્ટ્ર તરફ દેખાય એટલે સમજી જવાનું રહે કે હવે શિયાળો નજીક છે.

      પક્ષીઓનાં ઉડ્ડયન અને પ્રવાસની વાતો ઘણી રસપ્રદ છે અને તેમાંય એ પક્ષીઓની જેમ જ ઉડીને આંખો વળગે એવી વાત એ છે કે તેનો પ્રવાસ અત્યંત નિયમિત હોય છે, તેઓના શેડ્યુઅલ અને અંતરમાં ક્યારેય ફેરફાર થતાં નથી. અમેરિકાના મૂળવાસીઓ તો પોતાના પંચાગમાં જુદાં જુદાં મહિનાઓનાં નામ પણ પ્રવાસી પક્ષીઓનાં નામ પરથી રાખતાં. આ પ્રવાસી પક્ષીઓ ક્યારેય ક્યાં સ્થળે પહોંચશે તેની ભવિષ્યવાણી આસાનીથી થઇ શકે છે.

      એક પક્ષી છે તેનું નામ છે આર્કીટિક તર્ન. તે ઉત્તરીધ્રુવથી પોતાની સફર શરુ કરી દક્ષિણ તરફ ૧૮ હજાર કિલોમીટરનું અંતર પાર કરે છે અને ફરી ૧૮ હજાર કી.મી. દૂર પોતાના આશિયાનામાં પહોંચે છે. વર્ષે ૩૬ હજાર કિલોમીટરનો પ્રવાસ....!! પક્ષીવિદોનાં અનુમાન મુજબ યુરોપ અને એશિયાના ઉત્તરી વિસ્તારમાં થતાં પક્ષીઓમાંથી ૪૦ ટકા પક્ષીઓ પ્રવાસ કરે છે અને ભારતમાં પક્ષીઓની લગભગ ૧૨૦૦ જાતિઓ જોવા મળે છે. તેમાંથી ૩૦૦ જેટલી પ્રજાતિઓ પ્રવાસ કરે છે જે પક્ષીનો ઠંડાં પ્રદેશમાં રહે છે તે શિયાળો શરુ થાય તે પહેલાં જ ગરમ અથવા ઓછા ઠંડાં પ્રદેશમાં પહોંચી જાય છે.

      પક્ષીઓનો આ પ્રવાસ, આ ઉડ્ડયન પણ માનવ જીવન જેવા છે, વિકટ, અવરોધોથી ભરેલા, ભયજનક, સંઘર્ષમય અને છતાં રોમાંચક, હા અસલ માનવજીવન જેવા, આ પ્રવાસ દરમિયાન પક્ષીઓએ કુદરતી અને માનવસર્જિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિરાટ સમુદ્રને પાર કરવા પડે છે, ઘણીવાર તે માંસાહારી પ્રાણીઓનો શિકાર પણ બને છે. પક્ષીઓની શારીરિક ઉર્જા આ પ્રવાસ દરમિયાન ઘણી વપરાય છે.

      ભારતના અનેક ભાગોમાં આ પ્રવાસી પક્ષીઓ આવે છે તેમાં અમદાવાદ પાસેનું નળ સરોવર અને રૂડો મુલક કચ્છ મુખ્ય છે. આમ જોઈએ તો નિષ્ણાંતોનાં માટે કચ્છ પ્રવાસી પક્ષીઓ માટે હિંદપ્રવેશ દ્વાર છે. રશિયા, પૂર્વ યુરોપ અને મધ્ય એશિયાથી આવતા પક્ષીઓ ભારતમાં આગળ જ્યાં જાય ત્યાં જતા પહેલાં તેણે કચ્છમાં પ્રવેશ કરવો પડે છે. શિયાળાની શરૂઆતમાં આગમન વખતે અને વસંત ઋતુ ઓઉર્વે થોડા સમયે ફરી પોતાના સ્થાને પહોંચતા પહેલાં આ પક્ષીઓ કચ્છને ક્રોસ કરે છે. મોટાં કદના કુંજ પક્ષી, બાજ કે બતકથી પણ નાનાં કદના વોર્લબર પક્ષીઓનો પણ આ પ્રવાસીઓમાં સમાવેશ થાય છે.

      ચકલી જેવા વેગટેલ અને અન્ય પાણીના પક્ષીઓ આ ઋતુ દરમિયાન ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, પૂર્વ યુરોપથી આવી કેરળ સુધીની આકાશી સફર કરે છે. કચ્છમાં આવતા પક્ષીઓ પૈકી કુંજ પક્ષી શ્રાદ્ધનાં સમયની આસપાસ ભાદરવા માસની મધ્યમાં આવી જાય છે જ્યારે તે પૂર્વે જુલાઈ કે ઓગસ્ટ માસ દરમિયાન પણ કેટલાંક પક્ષીઓ આવી જાય છે. રોઝી પેસ્ટર કે વૈયા નામે ઓળખાતું પક્ષી સૌથી વહેલું જુલાઈ માસમાં આવે છે. જ્યારે યુરોપિયન કે કાશ્મીર રોલર સ્પાટેડ ફ્લાઈકેચર, ઇન્ડિયન વાઈટથ્રોટ વગેરે પંખીઓ કચ્છમાં થોડો સમય વિસામો કરી પસાર થઇ જાય છે. અફઘાનિસ્તાન, બલુચિસ્તાન થઇ આફ્રિકામાં શિયાળો વિતાવવા જાય છે.

      પક્ષીઓ સાથે આપણી અનેક માન્યતાઓ જોડાયેલી છે, ટીટોડી ઈંડા મૂકે એટલે છાપામાં ફોટા આવ્યા જ હોય. જન્મતા પહેલાં જો કોઈ જીવનાં ફોટા છાપામાં છપાતા હોય તો ટીટોડી. વરસાદની આગાહી તેના પરથી લોકો કરતા હોય છે. આ ઉપરાંત ચાતક પક્ષીનાં આગમન સાથે પણ વરસાદને સંબંધ હોવાનું લોકો માને છે. જૂન-જૂલાઈમાં ચાતક આવે છે અને અહીં કિસ્સો જરા જુદો છે. એ ચાતક પક્ષી કચ્છમાં હનીમૂન એટલે કે પ્રજનન કરવા આવે છે. શિયાળા દરમિયાન તે પૂર્વ આફ્રિકા જાય છે અને ઉનાળો શરુ થાય તે અરસામાં ભારતીય ઉપખંડમાં પહોંચી જાય છે.

      ચોમાસાની આગાહી કરતુ બીજું એક પક્ષી પણ કચ્છમાં આવે છે તેનું નામ છે વરસારું તિલોર અથવા ખડમોર. જુન માસની શરૂઆતમાં આ પક્ષી આવે તો સારી વૃષ્ટિ થવાની શક્યતા હોય છે તેવું મનાય છે.

      ભૂમધ્ય સાગરનાં દક્ષિણ કિનારે વસતી એક બાજ પ્રજાતિ છે. તેનું તો મુખ્ય ભોજન જ આ પ્રવાસી પક્ષી છે. પ્રવાસી પક્ષીઓના શિકારનાં કિસ્સા પણ અગાઉ ઘણા બનતા પરંતુ ૧૯૭૨માં વન્ય જીવન અધિનિયમ અનુસાર તેનાં પર થોડું નિયંત્રણ આવ્યું છે. જો કે ભારતમાં તે પ્રમાણ ઓછું થયું છે પરંતુ સારસ અને બતક સાઈબીરીયાથી પોતાનો પ્રવાસ શરુ કરે છે અને તેનો શિકાર ત્યાંથી ભારત પહોંચે તે પૂર્વે પણ ઘણીવાર થઈ જતો હોય છે. સાઈબીરીયન કેન નામના પક્ષીઓનો તો એટલી હદે શિકાર થયો છે કે તેની નસ્લ લુપ્ત થઇ જાય તે કક્ષાએ વાત પહોંચી ગઈ છે. અને પાકિસ્તાન, ઈરાન તથા અફઘાનિસ્તાનમાં આજે પણ પ્રવાસી પક્ષીઓનો બેરહેમીથી શિકાર થાય છે. (પાકિસ્તાની, અફઘાનીઓને તો બધું સરખું, માણસ હોય કે પક્ષી, મારવાથી કામ.)

      પક્ષીઓનો આવો લાંબો અંતરનો પ્રવાસ કુદરતી છે અને તેમનાં પ્રવાસ બિન આયોજિત નથી. પ્રવાસમાં જતાં પહેલાં ખાસ્સી તૈયારી થાય છે અને પછી એકધારું ૩૦-૩૦ કલાકોનું ઉડ્ડયન તેઓ કરે છે. પક્ષીઓનાં પાચનતંત્રથી માંડી શારીરિક રચનામાં આવી લાંબી ઉડાન પછી ઘણા ફેરફાર આવે છે.

      અજાણ્યા પ્રદેશમાં જવા પોતાના ઘરેથી આ પક્ષીઓ ના નીકળે. નિશ્ચિત સ્થળે પહોંચી કઈ રીતે શકે ? આકાશમાં કોઈ માઈલસ્ટોન કે સાઈન બોર્ડ તો હોતાં નથી તો પછી આ પક્ષીઓ રસ્તો કઈ રીતે શોધે છે ? વૈજ્ઞાનિકોને આ રહસ્ય શોધવામાં જે સફળતા જેટલે અંશે મળી છે તેના તારણો એવા છે કે પક્ષીઓ સૂર્યને કેન્દ્રમાં રાખી પોતાનાં ઉડ્ડયનની દિશા નક્કી કરે છે અને રાત્રે નક્ષત્ર જોઇને નિર્ણય કરે છે કે કઈ દિશામાં હવે આગળ વધવાનું છે. વાદળો હોય તો પણ જોકે તેમનો પ્રવાસ અવિરત રહે છે, એટલે પક્ષીઓ પણ પોતાના પ્રવાસનાં વિવિધ રસ્તાઓથી તો વાકેફ જ છે પણ પાયાનો સવાલ એ છે કે આ પક્ષીઓ આમ ઉડાઉડ કરે એટલે કે લાંબા અંતરે ઊડે તેવું શા માટે એ પગવાળીને આઈ મીન પાંખવાળીને એક પ્રદેશમાં બેસતાં શા માટે નહીં હોય ? મોટાંભાગના પ્રવાસી પક્ષીઓ તો ઠંડાં વિસ્તારનાં હોય છે અને કડકડતી ટાઢથી બચવા માટે અને ખોરાક માટે તેઓ નીકળી પડે છે. ઠંડા પ્રદેશમાં વૃક્ષો પર પાનનું સ્થાન શિયાળામાં બર્ફ લઇ લે છે, કીડા-મંકોડા, જંતુઓ જમીનની અંદર ઘૂસી જાય છે અને એટલે રહેવા-જમવાની ઉત્તમ સગવડનાં બોર્ડ આ પક્ષીઓને દેખાતાં બંધ થાય કે તરત જ ચલ ઉડ જા રે પંછી કે અબ યે દેશ (ટેમ્પરરી) હુઆ બેગાના’ કહીને એ પક્ષીઓ નીકળી જાય છે.

      આ પક્ષીઓ પ્રવાસ દરમિયાન કે શિયાળામાં જ્યાં રહે ત્યાં માત્ર દિવસો ગાળે છે, પ્રજનન કરતા નથી. ખંજન પક્ષી હિમાલયમાં અને સાઈબીરીયન કેન હિમાલય પહોંચીને પ્રજનન કરે છે, માદા ઈંડા મૂકે છે, તે સેવાય છે અને બચ્ચાં આવે છે, બરફ ત્યારે ઓગળતો હોય છે, બચ્ચાઓ માટે જીવજંતુઓનું ભોજન ઉપલબ્ધ હોય છે, ફરી શિયાળો આવે ત્યારે તે પેઢી પણ મોટી થઈ ગઈ હોય છે અને એ પણ બીજા વર્ષે પ્રવાસ માટે વડીલો સાથે સાથે તૈયાર થઇ જાય છે.

      પ્રવાસી બતક કે પછી ખંજન કે સુરખાબ જેવા પક્ષીઓ મોટેભાગે એવી સાઈટ પસંદ કરે છે જ્યાં મોટું જળાશય હોય, કચ્છમાં લખતર પાસે, નારાયણ સરોવર પાસે દર વર્ષે સુરખાબોનો મેલો જામે છે. સુરખાબ જોવા માટે તો કચ્છના રા લખપતરાવે ખાસ મહેલ બંધાવ્યો હતો. દર વર્ષે આ ઋતુમાં સુરખાબની મોટી વસાહત કચ્છનાં મોટાં રણમાં જોવા મળે છે. તસવીરકાર એલ.એમ.પોમેલે સુરખાબની લીધેલી તસવીરો અને દોરેલા ચિત્રો એ સુરખાબા જેવા જ રમણીય રહ્યા છે. આ સુરખાબનું અસ્તિત્વ કચ્છમાં હોય તેવું કોઈ માનવા પહેલાં તો તૈયાર નહોતું. રાવ ખેંગારજીએ લખપત બાજુ મોટા રણમાં સુરખાબનાં ઈંડા, પ્રજનનની વિગતો મળી. ૧૮૯૩માં તેમણે કેપ્ટન લેસ્ટરને આ અંગે સમાચાર આપ્યા. લેસ્ટરે આ બાબતે એક નોંધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનાં જર્નલમાં મોકલાવી દીધી. તે પસિદ્ધ થયા પછી કેટલાક પક્ષીવિદોએ એ અંગે શંકા કરી. કારણ કે એ પૂર્વે ક્યારેય હિન્દુસ્તાનમાં આવા પક્ષી ઉછર્યા હોય તેવો દાખલો નહોતો. રાવશ્રી ખેંગારજીને જ્યારે સુરખાબના માળા અને ઈંડાના સમાચાર મળ્યાં ત્યારે રાજ્યના ફોટોગ્રાફરને મોકલી ૧૯૦૪માં પોતે નોંધ તૈયાર કરી અને સુરખાબનગરનું આવું આ રમ્ય સ્થળ આપણને મળ્યું. જાણીતાં પક્ષી નિષ્ણાંત સલીમઅલીએ પણ આ સુરખાબનગરની અનેક વખત મુલાકાત લીધી હતી.

      કચ્છની ધરતી સાથે ભૌગોલિક અનેક બાબતો સંકળાયેલી છે, ઐતિહાસિક પણ સંકળાયેલી છે અને પક્ષી જેવી પૌરાણિક બાબતો પણ. પૌરાણિક કઈ રીતે ? કેમ આપણો જટાયુ રાવણ સાથે લડતા લડતા વીરગતિ નહોતો પામ્યો ?


0 comments


Leave comment