40 - હથેળી ભરાય છે / ગૌરાંગ ઠાકર


તાળી દીધા કરો આ હથેળી ભરાય છે,
હાથોમાં મારા આપની રેખા લખાય છે.

પહેલાં કિરણ બધાં અહીં વીણી લીધાં પછી,
સૂરજ પડીકે વાળી જૂઓ સાંજ જાય છે.

વૃક્ષો હસી પવનને કહે પાનખર વિશે,
એનાથી પર્ણથી વધુ શું લઈ જવાય છે ?

મહેમાન સ્વપ્ન ને બની યજમાન પાંપણો,
આંખોનાં ઘરમાં યાદનો ઉત્સવ જણાય છે.

કેવળ કળીનું ખીલવું શોભા અધૂરી છે,
ઝાકળ ઉમેરી ફૂલનો શણગાર થાય છે.

સુખદુઃખની એટલે અહીં રાખું પથારી એક,
નિશ્ચિંત થઈને મારાથી ઊંઘી શકાય છે.


0 comments


Leave comment