43 - ચર્ચાપત્રીની ગઝલ / ગૌરાંગ ઠાકર
અંધાર લઈ નગરનો, અજવાસ દઈ જવાના,
શબ્દો વડે જ સઘળું, ઝળહળ કરી જવાના.
પહેલાં હૃદય ધરીશું, માણસની વેદનાને,
ચર્ચામાં એ જ વાતો, તમને કરી જવાના.
બાળક, યુવાન, નારી કે પ્રશ્ન વૃદ્ધનો હો,
સંવેદના બધાંની, સરખી લખી જવાના.
તમને ખબર નથી પણ, તાકાત શબ્દમાં છે,
સીધા ઘણાં થયા છે, બીજા થઇ જવાના.
ચર્ચા કરી કરીને, પત્રો લખી લખીને,
માણસમાં માણસાઈ, જોજો ભરી જવાના.
0 comments
Leave comment