44 - રહી ગઈ / ગૌરાંગ ઠાકર
મારી પ્રતિબિંબ પર લાગણી રહી ગઈ,
આયનામાં ખરી માપણી રહી ગઈ.
ખુશ્બૂથી ખોળો એનો ભરાયો નહીં,
પાનખરમાં હવા વાંઝણી રહી ગઈ.
વાદળો જોઇને બ્હાવરો થઇ ગયો,
મારી વરસાદની વાવણી રહી ગઈ.
ફૂંક મારી પછી પણ ધુમાડો થયો,
શહેરમાં હૂંફની તાપણી રહી ગઈ.
વિસ્તર્યો તોય હોવાની પીડા રહી,
જેમ વર્તુળની વચ્ચે અણી રહી ગઈ.
0 comments
Leave comment