46 - બેઠા છીએ / ગૌરાંગ ઠાકર
હાથ,હથેળી, ખોબા, મુઠ્ઠીને સમજાવી બેઠા છીએ,
થોડું લઈને બહુ દેવાનું કામ અપાવી બેઠા છીએ.
તારા ઘરથી નીકળેલી આ તેજ હવાને સમજાવી લે,
શ્વાસ અમે આ રોકીને દીવો સળગાવી બેઠા છીએ.
માણસ તો ઇશ્વરના હાથે પોસ્ટ થયેલું પરબીડિયું,
આજ ટપાલી થઈ કાગળ તમને વંચાવી બેઠા છીએ.
આખેઆખા તારા તુજને સાતે દરિયા આજ મુબારક,
કેવળ ફૂલોનાં ઝાકળ પર નામ લખાવી બેઠા છીએ.
આજ ભલે ને ડંખી જાશે થોડું તો ભૈ સાંખી લઈશું,
મનસૂબાના મધપૂડાની માખ ઉડાવી બેઠા છીએ.
0 comments
Leave comment