47 - બારી બનાવું / ગૌરાંગ ઠાકર
મને ઝાડનો હું પૂજારી બનાવું,
હું મંદિર નહીં રોજ કયારી બનાવું.
હવે આ સદનની સમજાવટ બહુ થઈ,
જે ભીતરમાં ખૂલે તે બારી બનાવું.
જગત જે જગાથી મને મારું લાગે,
હું એવા જ સ્થાને અટારી બનાવું.
પછી મનના સર્પો કહ્યામાં રહે છે,
મને પહેલાં મારો મદારી બનાવું.
આ હારીને બમણુંય રમવું ગમે છે,
મને વહાલ માટે જુગારી બનાવું.
અહીં ફૂલની મ્હેક સૌને ગમે છે,
હવાથી મને કેમ ભારી બનાવું?
0 comments
Leave comment