49 - ઘર ન જવાયું / ગૌરાંગ ઠાકર
આ જ્યારથી માણસની તરફ સ્હેજ વળાયું,
પથ્થરમાં મહાદેવ નથી એમ જણાયું.
મારાથી અહીં મારું લ્યો સરનામું ભુલાયું,
આ સાંજ પડી તોય હજી ઘર ન જવાયું.
જે આપણામાં થાય દફન એ ન મળે ક્યાંય,
હું ગામ ગયો તોય ન શૈશવથી મળાયું.
તારાથી મળે ઘાવ તો ફરિયાદ નથી, દોસ્ત,
સૂરજથી સરોવરનું અહીં જળ ન દઝાયું.
બંધનની પડે ટેવ પછી એ જ ગમી જાય,
પિંજરથી છૂટી આભમાં થોડું ન ઉડાયું .
વરસ્યા વિનાનાં વાદળો જોઈને થયું એમ,
ડૂમાથી અહીં ઓગળી આંસુ ન થવાયું.
હું બાદ કરું ઘાસ અને બીજ ઉમેરું,
જીવન આ બને બાગ અહીં એમ જિવાયું.
0 comments
Leave comment