51 - દીવાનગી હતી / ગૌરાંગ ઠાકર


તારા સુધી જવા મને પરવાનગી હતી,
કારણ કે મારી યોગ્યતા દીવાનગી હતી.

કાળી સડક અમારી પછી ઝગમગી હતી,
જયાં શોકમાંથી શ્ર્લોક તરફ જિંદગી હતી.

ખુદની સમક્ષ ઊભો અને સરખો મને કર્યો,
સાચું કહું છું જીવ કે એ બંદગી હતી.

છાપાને બદલે આજ મેં વાંચી હતી સવાર,
તેથી જ મારી આંખે અજબ તાજગી હતી.

દુનિયાનાં સુખ તો આંગણે આવી ઊભાં હતાં,
સારું થયું કે હાથમાં આ સાદગી હતી.

માણસનો એટલે હવે મહિમા કરો, કવિ,
ઇશ્વર વિશે અહીં ઘણી નારાજગી હતી.


0 comments


Leave comment