21 - ભાઈબીજ / દામોદર બોટાદકર


(લક્ષ્મણ ! લક્ષ્મણ ! બન્ધવા રે વેરી કોણે રે લખિયા – એ ઢાળ.)

ઊંચા અાંબા ઊંચી આમલીં રે નીચી વાડીની વેલી,
ઊંચી ચડે, નીચી ઊતરે રે આજ બહાવરી બહેની;
વીરની વાટ વિલેાકતાં રે એની આંખડી ફાટે,
સારી લાગે નહિ સહિયરો રે એને ધરમાં ન ગોઠે.

ઊભો રહ્યો આવી આંગણે રે રવિ રંગનો રાતો,
આવ્યો નહિ એવો ઊજળો રે મારો માડીનો જાયો;
વેણનાં દેઈ વધામણાં રે ગયા વાયસ વહેલા,
વહાલાંને ઘેર જઈ વસ્યા રે પન્થવાસીએ પેલા.

વાટ લાંબી વસમી ઘણી રે આડી કોતર ઊંડા,
ડોલી રહ્યા બહુ ડુંગરા રે કાંઇ ભૂતથી ભૂંડા;
મુંઝવતી રહી મારગે રે ઝાઝાં ઝાડની ઝાડી,
વાઘ, વરુ, વન વાંદરા રે ડર આપતાં દા'ડી.
પાછો વળ્યો હશે પન્થથી રે રખે ભાઈ એ ભીરૂ,
સિંહ તણા સ્વર સાંભળી રે હસે ઉર ઉતાર્યું;
શીતળ કાં વડછાંયડે રે એને નીંદર આવી,
નેહભર્યા કંઈ સોણલે રે રોકી રાખશે રીઝાવી.

શકુન હશે નહિ સાંપડ્યા રે એને આજ ઉમંગી,
ઘેરી રહ્યા ઘર ગેઠિયા રે સુખદુઃખના સંગી;
ભૂલી ગયો ઉરભાવમાં રે કાં તો આવતાં કેડો,
બહેનવિજોગનો બંધવો રે ઘડી એકમાં પેલો.

માંદી પડી કાં તે માવડી રે એની જાઈને ઝાંખી,
વસમી વિજોગની વેદના રે શકે કપાં લગી સાંખી;
હૈયું રાખ્યું હશે હાકલી રે દઈ કૈંક દિલાસા,
તૂટી પડયું હશે તાપથી રે ત્યજી આખરે આશા.

ભાભીએ કાં હશે ભેળવ્યો રે કંઈ દોષ દેખાડી,
રેાકી રાખ્યો રસ પાઈને કે મન મોહ પમાડી;
બાઝી પડયાં હશે બાલુડાં રે કાલુ બોલતાં કોટે,
એ સુખસ્વાદ સુધાભર્યો રે કયમ છોડતાં છૂટે !

ભાભલડી ! તુજ ભાવની રે ભલી વાધજો ભરતી,
વહાલસોયા મારા વીરના રે રે'જે હૈયાને હરતી;
અમર એવાતન ઊજળું રે રહો જીવતી જોડી,
રાજ તપો રળિયામણું રે મારી અાંખડી ટાઢી.

તારો પતિ, મારો બન્ધવો રે એવા ભેદ અનેરા;
ભાગ નથી કાંઈ ભાવમાં રે પંથ નેહના ન્યારા;

દેવે દીધો મુજ દેખતાં રે તે તો તારો ને તારો,
ભાઈના ભાવે ભિંજાતો રે દિન એક અમારો.

આજ બહેની તણે બારણે રે ધટે વીરનાં ઘોડાં,
આજ બહેની તણે આંગણે રે એનાં નહાવણ રૂડાં;
અાજ બહેની તણે એારડે રે એનાં આસન ઊંચાં,
આજ બહેની તેણે અંતરે રે એનાં વેણનાં વાજાં.

સાસુ સંભારે સવારથી રે જુએ વાટ જેઠાણી,
પૂછે પાડોશણ ૫ળ૫ળે રે શેાચે સહિયર શાણી;
હાંસી કરી રહી હેતની રે કાંઈ નણદલ નાની,
બોલી શકે નહિ બહેનડી રે છળી ઊડતી છાની.

ઓ ૨જ ઓ રજ ઉડતી રે આવે અંબર વીંધી,
જેને વિહંગ વધામણે રે પળે પાંખ પસારી;
હણહણતી કંઈ હાકલો રે એ જ ઘૂમતી ઘોડી,
એ જ હલકભરી હાંકણી રે મારા વીરની મીઠી.

એ જ રજેભર્યું રાતડું રે મુખ વીરનું વહાલું,
એ જ ઝુકે વીર છોગલું રે વાંકી પાઘમાં પેલું;
આતુર શી અવલોકતી રે એની આંખડી ભીની,
એ જ સુધા ભ્રર સીંચતી રે ફૂલ વેરતી વાણી.

વીરને અાસન એાપતાં રે ઊંડા અંતર કેરાં,
નીર નિરંતર નેણનાં રે વહે નાવણ દેવા;
ભોજનિયાં મનભાવતાં રે, પીવા વેણનાં વારિ,
વાટનો થાક વિતાડવા રે શીળી પ્રાણપથારી.
અાજ પિયર એને અાંગણે રે વસ્યું સામટું આવી,
લાખ સગાંતણાં સંગનો રે રહ્યો રંગ રીઝાવી;
કૈંક વાતો હતી કાળજે રે એને એક ન સૂજે,
ઊભા હતા કંઈ એારતા રે પણ એક ન ઊગે.

રે'જો અમર રસનો ભર્યો રે જેણે એ દિન દીધો,
જુદો કરી જૂઠા જગતથી રે સુધાસિન્ધુએ સીંચ્યો;
આવે અનેક આશાભરી રે સખી બીજ સોહાગી,
બન્ધુમિલાવણ બીજડી રે આ તો માવડી મીઠી.

રાત વીતી ગઈ વાતમાં રે વહેલાં વહાણલાં વાયાં,
હાય ! વિદાય વીરાતણી રે કંપે જોઈને કાયા;
રાત અધીરીની અાંખનો રે ભર્યો તેજનો તારો,
વહાલભરીતણો વાલ્યમો રે રહે રોકાતાં શાનો ?

સુખનાં વહી ગયાં સોણલાં રે ઉરે અડકયાં–ન અડકયાં,
વાધ્યો દાવાનળ દુઃખને રે કરી ભીતર ભડકા;
સુની સમી બની સારિકા રે પાછી પિંજરે પેઠી,
બારમાસી તણે બારણે રે જઈ બીજ એ બેઠી.


0 comments


Leave comment